રાજ્યસભાના આઠ સભ્યોના સમર્થનમાં શરદ પવારના ઉપવાસ

રાજ્યસભાના આઠ સભ્યોના સમર્થનમાં શરદ પવારના ઉપવાસ
`50 વર્ષની કારકિર્દીમાં રાજ્યસભામાં આ પ્રકારનું વર્તન જોયું નથી'
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 22 : રાજ્યસભાના આઠ સભ્યોને સસ્પેન્ડ કરવાની ઘટના સંસદની અને ઉપાધ્યક્ષના પદની ગરિમાનુ અવમૂલ્યન કરનારી છે. તેથી જે સભ્યોએ ઉપવાસ ર્ક્યા છે. તેઓના સમર્થન માટે મેં પણ એક દિવસ અન્નત્યાગ કરવાનો નિર્ણય લીધો છે, એમ રાષ્ટ્રવાદી કૉંગ્રેસના વડા શરદ પવારે જણાવ્યું છે.
શરદ પવારે આજે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે રાજ્યસભામાં કૃષિ વિષયક બેથી ત્રણ વિધેયક આવવાના હતા પરંતુ તે વિધેયક તુરતજ આવશે એવું જણાતું નહોતું. આ વિધેયક ઝડપથી મંજૂર કરાવવાનો આગ્રહ સત્તાધારી પક્ષનો હતો. આ વિધેયક અંગે સભ્યોના પ્રશ્નો અને શંકા વ્યક્ત કરવી હતી. તે માટે તેઓનો આગ્રહ પણ હતો. આ આગ્રહની અવગણના કરીએ ગૃહનું કામ આગળ વધારવાનો પ્રયત્ન હોવો જોઈએ. સભ્યોએ આ બાબત નિયમ વિરુદ્ધ હોવાનું કહીને વારંવાર રૂલ બુક લઈ ગયા હતા. આમ છતાં તેઓની રજૂઆત ધ્યાનમાં નહીં લેવાતા તેઓ વેલમાં ધસી ગયા હતા. ઉપાધ્યક્ષએ તે ક્યો નિયમ છે તે સાંભળે એવી અપેક્ષા હતી. જોકે, તે વિચાર ર્ક્યા વિના ઝડપભેર અને મૌખિક મતદાન કરાવવાના પ્રયત્નના કારણે સભ્યોએ તીવ્ર પ્રતિક્રિયા આપી હતી. મેં દેશની સંસદ અને મહારાષ્ટ્રના વિધાનગૃહોમાં 50 વર્ષ કરતા વધારે સમય કામ ર્ક્યું છે પણ પીઠાસીન અધ્યક્ષ દ્વારા આ પ્રકારનું વર્તન જોયું નથી. બિહારના ખૂબ જ વરિષ્ઠ નેતા તેમ જ સંસદીય લોકશાહીના જાણકાર હોવા છતાં તેમણે પોતાના વિચારો વિરુદ્ધ વર્તન ર્ક્યું તેનાથી મને ખૂબ જ આંચકો લાગ્યો છે. સભ્યોએ ભદ્ર ભાવના વ્યક્ત કરી તેથી તેઓને સસ્પેન્ડ કરીને તેઓના અધિકાર આંચકી લેવાયા છે. મરાઠાઓના આરક્ષણ અંગે સર્વોચ્ચ અદાલતમાં અપીલ દાખલ કરવા અંગે બે દિવસ મુખ્ય પ્રધાન ઠાકરે અને કાયદા નિષ્ણાતો સાથે ચર્ચા કરી હતી, તેથી ગઈકાલે દિલ્હી ગયો નહોતો.
રાજ્યસભામાં રાષ્ટ્રવાદી કૉંગ્રેસની હાજરી દેખાઈ નહીં એ વિશે પત્રકારના પ્રશ્ન અંગે શરદ પવારે જણાવ્યું હતું કે કૃષિ વિધેયક અંગે રાજ્યસભામાં પ્રફુલ્લ પટેલે અને લોકસભામાં સુપ્રિયા સુળેએ પક્ષની ભૂમિકા સ્પષ્ટપણે રજૂ કરી હતી.
એક પ્રશ્નના ઉત્તરમાં પવારે જણાવ્યું હતું કે કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ અને કાંદા ઉત્પાદન વિશે દેશભરમાં ખેડૂત સંગઠનો આંદોલન કરવાના છે. તેને અમે ચોક્કસ સમર્થન આપશું.
Published on: Wed, 23 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer