વિપક્ષોના બહિષ્કાર વચ્ચે ત્રીજો કૃષિ ખરડો રાજ્યસભામાં પસાર

વિપક્ષોના બહિષ્કાર વચ્ચે ત્રીજો કૃષિ ખરડો રાજ્યસભામાં પસાર
સસ્પેન્ડેડ આઠ સાંસદોએ ઉપસભાપતિની કર્ટસી ટીનો કર્યો ઈન્કાર
નવી દિલ્હી, તા. 22 : કૃષિ ખરડાઓના ધ્વનિ મતદાન વખતે રાજ્યસભામાં ધાંધલ-ધમાલ કરનારા આઠ સભ્યોને સસ્પેન્ડ કરાયા બાદ આજે સરકારે રાજ્યસભામાં વિપક્ષી બહિષ્કાર વચ્ચે ત્રીજો કૃષિ ખરડો પણ પારિત કર્યો હતો. સસ્પેન્ડ કરાયેલા આઠ સાંસદોએ સોમવારની રાત પણ સંસદ પરિસરમાં જ દેખાવો સાથે વિતાવી હતી. આજે સવારે રાજ્યસભાના ઉપસભાપતિ પોતે આ સાંસદો માટે ચા લઈને પહોંચ્યા હતા, પરંતુ સભ્યોએ આ `સૌજન્ય ચા'નો ઈન્કાર કર્યો હતો. કૃષિ ખરડાઓનો વિરોધ સંસદથી સડક સુધી ચાલી રહ્યો છે તેમાં આજે કૉંગ્રેસ સહિતના સંગઠિત વિપક્ષોએ સંસદની કાર્યવાહીનો બહિષ્કાર કર્યો હતો. તેથી લોકસભામાંથી પણ વિપક્ષી સંસદસભ્યો બહાર નીકળી ગયા હતા.
નવી દિલ્હી, તા.22: દેશનાં કિસાનો સંબંધિત આવશ્યક વસ્તુ વિધેયક 2020ને પણ આજે રાજ્યસભામાં પસાર કરી દેવામાં આવ્યું હતું. આ ખરડો લોકસભામાં પસાર થઈ ગયેલો હતો અને હવે તેને રાષ્ટ્રપતિની મંજૂરી અર્થે મોકલી દેવામાં આવશે. રાષ્ટ્રપતિના હસ્તાક્ષર સાથે જ અનાજ, દાળ, તલ, ખાદ્યતેલ, ડુંગળી અને બટેટા જેવા ઉત્પાદનો આવશ્યક ચીજોની સૂચિમાંથી બાકાત થઈ જશે.
લોકસભામાં આ ખરડો 1પ સપ્ટેમ્બરના રોજ પસાર કરવામાં આવ્યો હતો. આ વિધેયક કાયદો બન્યા બાદ તેનાં સંબંધિત વટહુકમનાં સ્થાને તબદિલ થઈ જશે. આ વિધેયકનો હેતુ ખાનગી રોકાણકારોની આશંકાઓ દૂર કરવાનો છે. કારણ કે વેપારીઓને પોતાની કારોબારી કામગીરીમાં વધુ પડતી નિયામક દખલગીરીની ચિંતા સતાવતી હોય છે.
સરકારનાં કહેવા અનુસાર ઉત્પાદન સંગ્રહ, પરિવહન, વિતરણની સ્વતંત્રતાથી વ્યાપક સ્તરે અર્થતંત્રને પ્રોત્સાહન મળશે અને કૃષિ ક્ષેત્રમાં ખાનગી અને વિદેશી રોકાણ પણ આકર્ષિત થશે.
Published on: Wed, 23 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer