રાહુલના બે કેચ છોડવાથી હાર મળી : કોહલીનો સ્વીકાર

રાહુલના બે કેચ છોડવાથી હાર મળી : કોહલીનો સ્વીકાર
દુબઇ, તા.25: વિરાટ કોહલીની ગણના દુનિયાની ચપળ ફિલ્ડરો પૈકિમાં થાય છે. પોતાની ફિલ્ડીંગ અને ફિટનેસથી તેણે એક જ જુદું જ સ્ટાન્ડર્ડ સેટ કર્યું છે. આમ છતાં તે આઇપીએલના ગુરૂવારે રમાયેલા પંજાબ વિરૂધ્ધના મેચમાં રાહુલના બે લોલીપોપ કેચ પડતા મુકવાથી ટીકાકારોના નિશાન પર આવી ગયો છે. રાહુલના 83 અને 89 રને કોહલીએ કેચ પડતા મુકયા હતા. બન્ને મોકાનો ફાયદો ઉઠાવીને રાહુલે અણનમ 132 રનનો સ્કોર કર્યોં હતો. કોહલી બેટિંગમાં નિષ્ફળ રહ્યો હતો અને એક રને જ આઉટ થયો હતો. 207 રનના વિજય લક્ષ્યાંક સામે બેંગ્લોરની ટીમ 17 ઓવરમાં 109 રનમાં ડૂલ થઇ ગઇ હતી. જેથી પંજાબનો 97 રને મહાવિજય નોંધાયો હતો.
મેચ બાદ આરસીબીના સુકાની વિરાટ કોહલીએ સ્વીકાર્યું  કે મારે આગળ આવીને આ દેખાવની જવાબદારી લેવી પડશે. આજે અમારો દિવસ ન હતો. મહત્વના તબકકે રાહુલના બે કેચ છોડયા આથી 30-35 રનનું નુકસાન થયું. અમે તમને 180 રન આસપાસ રોકી શકવાની સ્થિતિમાં હતા. મને ખબર છે કે અમે શું ભૂલો કરી. મારે એ બે કેચ લેવાની જરૂર હતી. અમે ભૂલોમાંથી બોધપાઠ લઇને આગળ વધશું.
Published on: Sat, 26 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer