ગાવસકરની કોમેન્ટ પર અનુષ્કાનો આકરો જવાબ

ગાવસકરની કોમેન્ટ પર અનુષ્કાનો આકરો જવાબ
કોહલીના નબળા દેખાવ પર અનુષ્કાને જોડીને કરાયેલી ટિપ્પણીથી વિવાદ
નવી દિલ્હી, તા.25: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ મહાન બેટ્સમેન અને કોમેન્ટેટર સુનિલ ગવાસ્કરએ આઇપીએલના ગુરૂવારે રમાયેલા મેચ દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલીના ખરાબ પ્રદર્શન પર અણછાજતી ટિપ્પણીના ઘેરા પડઘા પડયા છે અને વિવાદ સર્જાયો છે. કોહલીએ પંજાબના સુકાની રાહુલના બે આસાન કેચ પડતા મુકયા હતા અને બેટિંગમાં પણ નિષ્ફળ રહ્યો હતો.
આ મેચમાં સુનિલ ગવાસ્કરે કોમેન્ટ્રી દરમિયાન વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્મા પર એક કોમેન્ટ કરી હતી. જે પછી તેમની ઘણી ટીકા થઇ છે. ગવાસ્કરને કોમેન્ટ્રી પેનલમાંથી દૂર કરવાની પણ માગ ઉઠી છે. આ મુદ્દે અભિનેત્રી અને વિરાટની પત્ની અનુષ્કા શર્માએ જવાબ આપતા કહ્યં છે કે મિસ્ટર ગવાસ્કર આપે આટલા વર્ષો લોકોની અંગત જિંદગીનું સન્માન કર્યું. આપને નથી લાગતું કે આ વાત આપે અમારા વિશે કાયમ રાખવી જોઇએ.
અનુષ્કાએ તેની ઇંસ્ટા સ્ટોરીમાં વધુમાં કહ્યં છે કે તમે પતિની રમત પર તેની પત્ની પર આરોપ લગાવો તે કેટલો વાજબી છે. પહેલેથી જ મને વિરાટની સારા-નરસા દેખાવ માટે નિશાન બનાવવામાં આવે છે. હવે આ 2020 છે. આપનું નામ આ ભદ્રજનોની રમતમાં મહાન છે. હું બસ આપને બતાવવા માગુ છું કે મારી લાગણી શું છે.
આ વિવાદ બાદ સુનિલ ગવાસ્કર તરફથી હજુ સુધી કોઇ ટિપ્પણી સામે આવી નથી. વિરાટ કોહલીએ પણ આ વાતનો ઉલ્લેખ કર્યોં નથી.
Published on: Sat, 26 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer