સોના-ચાંદીમાં મંદી અટકી નજીવો સુધારો

સોના-ચાંદીમાં મંદી અટકી નજીવો સુધારો
અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 25:વિશ્વ બજારમાં સોનાના ભાવ ઘટ્યા પછી સ્થિર થઈ ગયા હતા. જોકે, ચાલુ સપ્તાહે મોટાં કડાકા સર્જાતા પાછલા છ સપ્તાહમાં ચાલુ અઠવાડિયું સૌથી ખરાબ નીવડ્યું છે. ન્યૂ યોર્કમાં 1862 ડૉલરની સપાટીએ સોનું રનિંગ હતું. ચાંદી 22.92 ડૉલર હતી. ચાલુ સપ્તાહમાં સોનામાં 87 ડૉલર અને ચાંદીમાં ઔંસદીઠ 3.8 ડૉલરની મંદી આવી ચૂકી છે. 
ડૉલર ઇન્ડેક્સમાં ગઈકાલ સુધી જોરદાર તેજી થયા પછી આજે મક્કમ હતો. છતાં એપ્રિલ પછી સૌથી સારું સપ્તાહ ડૉલર માટે નીવડ્યું છે. ડૉલર વધવાને લીધે સોનામાં ભારે વેચવાલી નીકળી છે. રોકાણકારો અને ફંડો ડૉલરની તેજીને લીધે ફરીથી સોનામાંથી નાણાં કાઢવા લાગ્યા છે. 
એક તરફ અમેરિકાના ઉદ્દીપક પેકેજ અંગે અનિશ્ચિતતા છવાયેલી છે તો બીજી તરફ ગુરુવારે ડેમોક્રેટસે  2.2 ટ્રિલિયન ડૉલરના કોરોના વાઇરસ પેકેજ પર કામકાજ થઇ રહ્યું છે અને તેના પર વોટિંગ આવનારા અઠવાડિયામાં થઇ શકે છે તેવો સંકેત આપતા પેકેજની આશા ફરી જીવંત થઇ છે.  
સોનાના ભાવમાં ચાલુ વર્ષ દરમિયાન 20 ટકાની તેજી આવી ચૂકી છે. વિવિધ દેશોની મધ્યસ્થ બૅન્કોએ મોટું ઉદ્દીપક પેકેજ એક વખત જાહેર કરી દીધું છે એ પછી ફુગાવાના ભયે સોનામાં લાવ લાવ થઇ છે. બીજી તરફ વ્યાજદરો પણ ઝીરોની નજીક છે એટલે સોનું આકર્ષક નીવડ્યું છે. જોકે, હવે તેજી થોડી ઝંખવાઇ ગઇ છે. 
રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામે રૂા. 50ના ઘટાડામાં રૂા. 50700 અને ચાંદીનો ભાવ એક કિલોએ રૂા. 500 વધી જતા રૂા. 57000 હતો.
મુંબઈમાં રૂા. 49850નો ભાવ જળવાયેલો હતો. ચાંદી રૂા. 1006 તૂટતા રૂા. 57477  રહી હતી.  

Published on: Sat, 26 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer