મારે કોરોનાની દવામાંથી કંઈ કમાવવાનું નથી : પંકજ પટેલ

મારે કોરોનાની દવામાંથી કંઈ કમાવવાનું નથી : પંકજ પટેલ
કેડિલાના માલિક રેમદેશીવીર સહિતની દવાઓ અર્ધાભાવથી વેંચીને કરે છે ખરી સેવા 
અનિલ પાઠક તરફથી
અમદાવાદ, તા. 25 : કોરોના મહામારીમાંથી મારે લોકોને બચાવવા છે અને આવી પરિસ્થિતિમાં દવાઓ વેચી મારે કમાવવું નથી કહેનારા ઝાયડસ (કેડીલા)ના માલિક પંકજ પટેલે એન્ટિ મેલેરિયા ડ્રગ્સ દેશ અને દુનિયામાં ઓછા ભાવે વેચીને માનવતાના ઇતિહાસમાં નામ કમાઇ લીધું છે. 
પંકજભાઇ છેલ્લા ઘણા  સમયથી `રેમદેશીવીર' ઇન્જેકશનો ફકત 2500-2600 રૂપિયામાં એટલે અન્ય ફાર્મા કંપનીઓથી સસ્તાં કોરોનાના દર્દીઓ માટે વેચે છે જ્યારે અન્ય કંપનીઓનો ભાવ ઝાયડથી લગભગ ડબલ છે. 
આ માટે મીડિયા ગલેરથી દૂર રહી અને કોઇપણ જાતની પ્રસિદ્ધિ વિના એક સાચા પટેલના પરોપકારી ગુણને તેઓએ દર્શન કરાવ્યા છે. 
`જન્મભૂમિ' જૂથને આ જાણકારી આપતા ગુજરાતના ફૂડ અને ડ્રગ કમિશ્નર ડૉ. હેંમત કોશિયાએ જણાવ્યું હતું કે ભારત સરકાર પાસેથી અન્ય  મોટી કંપનીઓ સાથે આ ડ્રગ માટેનું લાઈસન્સ લઇ વડોદરા, ચાંગોદર અને ગઈ કાલે પણ 12,000 ઇન્જેકશનની મંજૂરી મળતાં તેઓએ ત્રીજા વટવા ખાતેના પ્લાન્ટમાં આ ડ્રગનું ઉત્પાદન શરૂ કરી દીધું છે, એ પણ દવાના ભાવમાં કોઇપણ બાંધછોડ કર્યા વિના. 
ડૉ. કોશિયાએ જણાવ્યું હતું કે દેશમાં લાઈસન્સ મેળવનારી અન્ય કંપનીઓ સિપલા, હિટ્રોડન, ડૉ. રેડ્ડી લેબ, જ્યુબિલન્ટ અને માયલોન આ ડ્રગ એક પેકેજના 4800થી 5400 રૂપિયાના ભાવે બજારમાં વેચે છે જ્યારે ઝાયડસ 2600માં ખુલ્લા બજાર કરતા રાજ્ય સરકારની કોવિડ-19 હૉસ્પિટલોમાં આ ડ્રગ સરકારી રેઇટ પ્રમાણે સપ્લાય કરાય છે. 
આ ડ્રગ ઉપરાંત અન્ય લાઇફ સાવિંગ ડ્રગ પણ ઝાયડસ ખૂબ જ કિફાયતી ભાવે વેચે છે. આ કેટેગરીમાં અન્ય કંપનીઓ જે જાણીતી દવાઓ 12થી 15 રૂપિયે વેચે છે તેમાં ઝાયડસના ભાવ 6 રૂપિયા છે. આમાં હાઇડ્રોક્સિન ક્લોરોક્વિનનો સમાવેશ થાય છે. 
ઝાયડસ દ્વારા હવે અમેરિકન કંપની જે રેમદેશીવીરનું માર્કેટિંગ કરે છે. તેની પાસેથી તેનું રો-મટિરિયલ બનાવવાનું લાઈસન્સ પણ કેન્દ્ર સરકાર પાસેથી મેળવ્યું છે. 
ઝાયડસના ગુજરાતના ત્રણે પ્લાન્ટસમાં કુલ અંદાજે 4 થી 5 લાખ ઇન્જેકશનનો સેટ ઉત્પાદિત કરી બજારમાં વેચાણ માટે મુકાય છે. `મારે કોરોનામાંથી કમાવવાનું નથી' તેવી વાતને ગુજરાતનાં સમગ્ર પટેલ સમાજમાં આવકાર મળ્યો છે. 
Published on: Sat, 26 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer