બિહારમાં ચૂંટણીની જાહેરાત પછી રાઉતે પૂછ્યું- કોરોનાનો રોગચાળો પૂરો થઈ ગયો છે?

મુંબઈ, તા. 25 (પીટીઆઈ) : દેશમાં કોરોનાનો રોગચાળો પૂરો થઈ ગયો છે? ચૂંટણી યોજવા માટે યોગ્ય પરિસ્થિતિ છે? દેશમાં પ્રવર્તતી કોરોનાના ઉપદ્રવને ટાણે બિહારમાં વિધાનસભાની ચૂંટણી યોજવી શું યોગ્ય છે એવો પ્રશ્ન શિવસેનાના નેતા અને સાંસદ સંજય રાઉતે ઉઠાવ્યો છે.
ચૂંટણીપંચે આજે બિહાર વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો પછી રાઉતે પત્રકારોને જણાવ્યું હતું કે સંસદમાં કૃષિવિધેયક મંજૂર કરવાને લીધે બિહાર વિધાનસભાની ચૂંટણી ઉપર કોઈ અસર નહીં પડે. તેનું કારણ બિહારમાં માત્ર જાતિ અને ધર્મને આધારે મતદાન થાય છે. અમે નેતા સુશાંતસિંહ રાજપૂતનું મૃત્યુ બિહારની ચૂંટણીમાં મુદ્દો બનશે એવો પ્રશ્ન અંગે રાઉતે આક્ષેપ કર્યો હતો કે સરકાર પાસે વિકાસ અથવા સુશાસન જેવી બાબતો વિશે બોલાવું જેવું કંઈ જ નથી.
સુશાંતસિંહના પ્રકરણમાં સીબીઆઈની તપાસનું શું થયું? બિહારના ભૂતપૂર્વ પોલીસ વડા ગુપ્તેશ્વર પાંડે હવે વિધાનસભાની ચૂંટણી લડવાના છે. ઉત્તર પ્રદેશમાં સૂચિત ફિલ્મસીટી વિશે પુછાતા રાઉતે જણાવ્યું હતું કે આ સારી દરખાસ્ત છે. ઉત્તર પ્રદેશ દેશનું મહત્ત્વનું રાજ્ય છે. મનોરંજન ઉદ્યોગમાં રોજગારીની તકો સારી એવી સંખ્યામાં મળે છે. ફિલ્મ સીટી દેશના બધા રાજ્યોમાં હોવી જોઈએ. બંધારણની 370મી કલમ રદ કરવામાં આવી હોવાથી હવે કાશ્મીરની ખીણમાં પણ ફિલ્મસીટી સ્થપાવી જોઈએ એમ રાઉતે ઉમેર્યું હતું.
અહીં ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે તાજેતરમાં જ જાહેરાત કરી હતી કે રાજ્યમાં સહુથી મોટી ફિલ્મસીટી બનાવવામાં આવશે.
Published on: Sat, 26 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer