કાશ્મીરમાં એક પાકિસ્તાની સહિત ત્રણ આતંકવાદી ઠાર

જમ્મુ, તા.25: કાશ્મીરમાં ર4 કલાકમાં 3 આતંકી હુમલા કરવામાં આવતા સુરક્ષા દળો હાઈએલર્ટ પર છે. હુમલામાં એક પાકિસ્તાની સહિત બે આતંકીને ઢાળી દેવાયા છે.
પહેલા હુમલામાં બડગામના ખાગ ખાતે આતંકીઓએ બ્લોક ડેવલો.કાઉન્સિલના ચેરમેન ભૂપિન્દરસિંહની હત્યા કરી નાંખી હતી. તેમને સરકારી સુરક્ષા આપવામાં આવી હોવા છતાં પોલીસને જાણ કર્યા વિના ખાનગી વાહનમાં પોતાના ગામ જઈ રહ્યા હતા ત્યારે આતંકીઓએ ઘટનાને અંજામ આપ્યો હતો.લશ્કરે તોઈબાના આતંકીઓએ આ હુમલો કર્યાનું મનાય છે. 
બીજી ઘટનામાં બડગામના ચાંદોરા વિસ્તારમાં એક સીઆરપીએફ અધિકારીની આધુનિક એમ4 રાયફલના ઉપયોગથી હત્યા કરાઈ હતી. આ હુમલામાં જૈસે મહોમ્મદ સંગઠનનો હાથ હોવાનું ખુલ્યું છે.
ત્રીજો હુમલો અનંતનાગ જિલ્લાના સરહામા વિસ્તારમાં એક વકીલ બાબર કાદરીની ઓફિસમાં કલાઈન્ટ બનીને આવેલા બે અજાણ્યા શખસોએ ગોળી મારીને હત્યા કરી નાંખી હતી. વકીલના માથામાં 4 ગોળી માર્યા બાદ પણ આતંકી ફાયરિંગ કરી રહ્યા હતા. દરમિયાન સરહામામાં સુરક્ષા દળોએ લશ્કરે તોઈબાના બે આતંકીઓને ઠાર માર્યા હતા. જેમાં એક પાકિસ્તાની અને બીજો સ્થાનિક હતો. 
કાશ્મીરમાં પાક. પ્રેરિત ધ રેજિસ્ટન્સ ફ્રન્ટ (ટીઆરએફ) નામનું સંગઠન સક્રિય બન્યુ છે જે સોશ્યિલ મીડિયાના માધ્યમથી ધમકી આપી હત્યાના બનાવને અંજામ આપે છે. હત્યા કરાયેલા વકીલને આ જ રીતે સતત ધમકી મળતી હતી.
કાશ્મીરમાં હાલ 200 જેટલા આતંકીઓ હોવાનું મનાય છે જેઓને સરહદ પારથી હથિયારોની મદદ પહોંચાડવામાં આવી રહી છે.
Published on: Sat, 26 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer