દીપિકા પદુકોણ, શ્રદ્ધા કપૂર અને સારા અલી ખાનની આજે થશે પૂછપરછ

મુંબઈ, તા. 25 : બોલીવુડની ટોચની ત્રણ અભિનેત્રી દીપિકા પદુકોણ, શ્રદ્ધા કપૂર અને સારા અલી ખાનની નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો શનિવારે (આજે) પૂછપરછ કરશે. 
આ ત્રણેમાં દીપિકાની પૂછપરછમાં બધાને ભારે રસ છે. દીપિકા બોલિવૂડની અત્યારે નંબર વન હીરોઈન છે અને ડ્રગ સ્કેન્ડલમાં તેની સંડોવણી બહાર આવશે તો અનેક મોટાં માથાં ડ્રગ સ્કેન્ડલમાં ફસાશે એવી શક્યતા છે. 
દીપિકાને વાસ્તવમાં શુક્રવારે એનસીબી સમક્ષ હાજર થવાનું હતું, પણ તેણે એક દિવસનો સમય માગતા તેને શનિવારે બોલાવવાનું નક્કી કરાયું હતું. 
સુશાંતની ટેલેન્ટ મેનેજર જયા સાહાના મોબાઈલમાંથી જે ચૅટ મેસેજો મળ્યા છે એમાં દીપિકા અને તેની મેનેજર કરિશ્મા પ્રકાશનું નામ બહાર આવ્યું છે. કરિશ્મા પ્રકાશની શુક્રવારે એનસીબીના અધિકારીઓએ પૂછપરછ કરી હતી અને તેને શનિવારે ફરી બોલાવવામાં આવી છે. અધિકારીઓ દીપિકા અને કરિશ્માને સામસામે બેસાડી પૂછપરછ કરશે. 2017માં દીપિકાએ કેફી દ્રવ્યોના કરેલા પેમેન્ટ અને ખરીદી વિશે કરિશ્માને સવાલો પુછવામાં આવ્યા હતા. 
એવું કહેવાય છે કે સુશાંતની ટેલેન્ટ મેનેજર જયા સાહાએ વોટ્સઍપ પર એક ચેટ ગ્રુપ બનાવ્યું હતું જેમા દીપિકા પાદુકોણ, કરિશ્મા પ્રકાશ અને કરિશ્માં જે ક્વાન નામની કંપની સાથે સંકળાયેલી હતી એના મેનેજમેન્ટના સભ્યો મેમ્બર હતા. દીપિકા અને કરિશ્મા ગ્રુપના એડમિન હતા. એનસીબીના અધિકારીઓનું માનવું છે કે કોઈ મોટી પાર્ટી યોજાવવાની હશે એ માટે આ ગ્રુપ બનાવવામાં આવ્યું હોવું જોઈએ. ક્વાન કંપનીના મેનેજમેન્ટને પણ તેના કર્મચારીઓ ડ્રગની લેતી-દેતીમાં સંડોવાયેલા છે એની ખબર હતી. 
Published on: Sat, 26 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer