જીએસટી ફંડના ઉપયોગમાં કેન્દ્રએ તોડયો કાયદો

રૂા. 47,272 કરોડનો અન્ય હેતુ માટે ઉપયોગ : કૅગ
નવી દિલ્હી, તા.25: કમ્પટ્રોલર ઓડિટર જનરલ (સીએજી) ઓફ ઈન્ડિયાએ પોતાના એક રિપોર્ટમાં મોટો ખુલાસો કર્યો છે કે કેન્દ્ર સરકારે કાયદાનો ભંગ કરી નાણાંકીય વર્ષ 2017-18માં જીએસટી વળતરની રૂ.47,272 કરોડની રકમ સીએફઆઈ (કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઈન્ડિયા) માં રાખી અને આ ફંડનો અન્ય હેતુ માટે ઉપયોગ કર્યો હતો.
ગત સપ્તાહ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં જણાવ્યું હતું કે રાજ્યોને જીએસટી ની આવકમાં નુકસાની વળતર આપવા માટે સીએફઆઈથી ફંડ જારી કરવાની કોઈ કાનૂની જોગવાઈ નથી. જો કે કેગના મતે ખૂદ સરકારે જ નિયમનો ભંગ કર્યો છે. કેગના રિપોર્ટ અનુસાર નાણાં મંત્રાલયે તેના ઓડિટ નિરીક્ષણનો સ્વીકાર કરી સેસ જે પબ્લિક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં નથી આવી તેને પછીના વર્ષમાં કરાશે તેમ દર્શાવ્યું છે.
કેગ ના રિપોર્ટ અનુસાર સ્ટેટમેન્ટ 8,9, અને 13ના ઓડિટ પરિક્ષણની માહિતીથી જાણવા મળે છે કે જીએસટી કંપેસેશન સેસ કલેકશનમાં ઓછું ફંડ આવ્યું છે.વર્ષ 2017-18 અને 2018-19 માટે રૂ.47,272 કરોડ ઓછા ક્રેડિટ થયા હતા. તે જીએસટી કંપેસેશન સેસ એકટ 2017ના નિયમોનો ભંગ છે.
આ એકટની જોગવાઈઓ મુજબ, કોઈ પણ વર્ષમાં જમા કરવામાં આવેલા કુલ ઉપકર (સેસ) કલેકશનમાં નોન લેપ્સડ ફંડ (જીએસટી કંપેસેશન સેસ ફંડ) માં ક્રેડિટ કરવામાં આવે છે. તે પબ્લિક એકાઉન્ટનો ભાગ છે અને તેનો ઉપયોગ રાજ્યોના જીએસટી આવકમાં નુકસાનની ભરપાઈ માટે કરવામાં આવે છે. પરંતુ કેન્દ્ર સરકારે કુલ જીએસટી સેસને જીએસટી કંપેસેશન ફંડમાં ટ્રાન્સફર કરવાને બદલે સીએફઆઈમાં જ રાખ્યા. 
Published on: Sat, 26 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer