એન્ટીબૉડી તૈયાર થતાં કોરોના બીજીવાર થતો નથી એવો ભ્રમ રાખશો નહીં

કોરોના પુન : થાય ત્યારે તે વધુ તકલીફરૂપ હોય છે
નાયરના ચાર તબીબોને બીજીવાર કોરોના
મુંબઈ, તા. 25 : એકવાર કોરોના થાય પછી તે ફરી થવાની શક્યતા નકારી શકાતી નથી એ મુંબઈ પાલિકા સંચાલિત નાયર હૉસ્પિટલના ચાર તબીબોને થયેલા કોરોના ઉપરથી પુરવાર થયું છે. પ્રથમવારના સંસર્ગ કરતાં બીજીવારના સંસર્ગના લક્ષણો વધુ તીવ્ર હોવાનું નિરીક્ષણમાં જાણવા મળ્યું છે. આ બાબતે વધુ ઝીટવટભર્યો તબીબી અભ્યાસ કરવામાં આવી રહ્યો હોવાનું વહીવટીતંત્રએ જણાવ્યું છે.
એકવાર કોરોના થયા પછી 19થી 65 દિવસમાં તે ફરી થયો હોવાના ઉદાહરણો જોવા મળ્યા 
છે. એકવાર કોરોના થયા પછી શરીરમાં તેના વિરુદ્ધ એન્ટિબોડી તૈયાર થાય છે અને તે કોરોનાના વિષાણુનો મુકાબલો કરે છે. આ નિષ્કર્ષ અગાઉ કાઢવામાં આવ્યો હતો પરંતુ નાયર હૉસ્પિટલના ચાર તબીબોને પુન: થયેલા કોરોનાને કારણે તે પાથાવિહોણો હોવાનું પુરવાર થયું છે.
નાયર હૉસ્પિટલના ડીન ડૉ. રમેશ ભારમલે જણાવ્યું હતું કે ઇન્સ્ટિટયૂટ અૉફ જિનોમિક્સ નામની સંસ્થામાં આ અંગે વિસ્તૃત અભ્યાસ કરવામાં આવ્યો હતો. તેમાં કોરોના ફરી થવાની શક્યતા નકારી શકાય એમ નથી, એમ જણાવવામાં આવ્યું છે. આ અભ્યાસના તારણો `લેન્સેટ' નામના મેડિકલ જર્નલમાં પ્રસિદ્ધ થવાના છે ત્યાર પછી ચોક્કસ ટીપ્પણ કરી શકાશે, એમ ડૉ. ભારમલે ઉમેર્યું હતું.
નાયરના તબીબોને ફરી કોરોના થયા પછી આ તબીબોને માથામાં, ગળામાં અને શરીરમાં દુ:ખાવો જેવી તકલીફો થવા માંડી હતી. આ તબીબોએ ત્વરિત સારવાર લીધી હતી. સંશોધનના નિષ્કર્ષ અનુસાર તબીબોમાં વાઇરસનું સ્વરૂપ બદલાતું હોવાનું જોવા મળ્યું હતું. જાહેર અને પાલિકાના તબીબો વિવિધ પ્રકારના સંસર્ગમાં આવતા હોય છે. તેથી તેમને કોરોના થવાનું જોખમ હોય છે. આ અભ્યાસમાં નાયર હૉસ્પિટલના ચાર અને હિન્દુજા હૉસ્પિટલની ચાર નર્સોને આવરી લેવામાં આવ્યા છે. તેમાંના ચાર જણાંને પહેલી વાર કોરોના થયો ત્યારે ગળામાં દુ:ખાવો, શરદી અને ઉધરસ જેવા લક્ષણો પ્રથમ બેથી પાંચ દિવસમાં દેખાયા નહોતા. જોકે, બીજીવાર કોરોના થાય પછી શરીરમાં દુ:ખાવો, માથામાં દુ:ખાવો અને તાવ જેવા લક્ષણો બેથી ત્રણ સપ્તાહ સુધી હતા. તેમાંથી એક દરદીને પ્લાઝમા થેરેપી આપવાની જરૂર પડી હતી.
નાયરમાં કોરોનાની રસીની ચકાસણી
પાલિકા સંચાલિત નાયર હૉસ્પિટલમાં કોરોનાની રસીની ચકાસણી કરવાની પરવાનગી મળી છે. એથિકલ કમિટીની આ હેતુસર પરવાનગી મળી હોવાનું સ્પષ્ટ કરવામાં આવ્યું છે. નાયર અને કે.ઈ.એમ. પ્રત્યેકમાં 100 જણાંને સહભાગી કરવામાં આવશે. રસીની ચકાસણીમાં ભાગ લેનારા દરદીઓની પણ તબીબી તપાસ કરવામાં આવશે. કોરોનામાંથી સાજા થયેલા દરદીઓને તે ફરી થઈ શકે છે એવા ઉદાહરણો સામે આવ્યા પછી તેની રસી કેટલી અસરકારક નીવડશે એ વિશે પણ તબીબી વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે.
Published on: Sat, 26 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer