મોદી સરકાર નથી જાણતી ખેડૂતોની સરેરાશ આવક

નવી દિલ્હી, તા. 25 : આર્થિક સર્વેના ચોથા ભાગમાં ખેતી અંગે જે વાત કરવામાં આવી છે તેના મુજબ 2014-15માં રાષ્ટ્રીય આવકમાં ખેતીનું યોગદાન 18.2 ટકા હતું. જે 2019-20માં ઘટીને 16.5 ટકા રહી ગયું છે. 2014-15થી લઈને અત્યારસુધીમાં જોવામાં આવે તો ખેતીમાં વિકાસ દર પહેલાની જેમ નથી. 2016-17માં ખેતીનો મહત્તમ વિકાસ દર 6.3 ટકા નોંધાયો હતો. જે 2019-20માં ઘટીને 2.8 ટકા રહી ગયો છે. ખેડૂતોની આવક કેટલી છે તેનો નવો ડેટા નથી. એક અહેવાલ મુજબ 2015-16 બાદ ખેડૂતોની સરેરાશ આવકનો ડેટા બંધ થયો છે. વર્ષ 2019માં રાજ્યસભામાં કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું હતું કે, હરિયાણાના ખેડૂતોની કમાણી સૌથી વધારે છે. તેઓની એક મહિનાની આવક 14434 રૂપિયા છે.  આર્થિક સર્વે મુજબ વિશ્વ કૃષિ વ્યાપારમાં ભારતનું યોગદાન લગભગ 2.15 ટકા છે. ભારતીય કૃષિ નિકાસના મુખ્ય ભાગીદારોમાં અમેરિકા, સાઉદી અરબ, ઈરાન, નેપાળ અને બંગલાદેશ  સામેલ છે. 1991થી આર્થિક સુધારાની શરૂઆતથી ભારતે કૃષિ ઉત્પાદકોના નિકાસને જાળવી રાખી છે.
Published on: Sat, 26 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer