કેન્દ્રના કૃષિ અને કામદાર ખરડાના અમલ સામે વિરોધ : અજિત પવાર

કેન્દ્રના કૃષિ અને કામદાર ખરડાના અમલ સામે વિરોધ : અજિત પવાર
`કાનૂની પાસાંનો અભ્યાસ કરી લેવાશે અંતિમ નિર્ણય'
મુંબઈ, તા. 25 : કેન્દ્ર સરકારના કૃષિ અને કામદાર અંગેના વિધેયકોનો અમલ કરવા સામે અમારો વિરોધ છે. તે અંગેની કાનૂની બાબતોનો અભ્યાસ કરીને આખરી નિર્ણય લેવાશે. રાષ્ટ્રવાદી કૉંગ્રેસના આગેવાન અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કહ્યું છે.
જિલ્લા પરિષદ દ્વારા 51 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો માટે અત્યાધુનિક એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવા માટે આજે યોજાયેલા કાર્યક્રમ બાદ પત્રકારો સાથેની અવિધિસરની વાતચીતમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારનું કૃષિ વિધેયક ખેડૂતોના હિતમાં નથી. મહારાષ્ટ્રમાં ખેડૂતોએ ભારે જહેમત ઉઠાવીને ઊભી કરેલી બજાર સમિતિઓનું અસ્તિત્વ જોખમમાં આવશે. તેથી રાજ્યમાં કૃષિ વિધેયકના અમલ સામે અમારો વિરોધ છે. અમે કૃષિ અને કામદારો અંગેના વિધેયકને અમલમાં નહીં મૂકીએ તો તેનું પરિણામ શું આવશે? આ પ્રકરણ અદાલતમાં જાય તો તેનું પરિણામ શું આવશે? તે સંબંધિત બાબતોનો અભ્યાસ કરીને અમે અંતિમ નિર્ણય લેશું. ખેડૂતોને આ વિધેયક યોગ્ય લાગતા નથી. ખેડૂત સંગઠનોએ તેનો વિરોધ કર્યો છે. રાષ્ટ્રવાદી કૉંગ્રેસ સહિત અન્ય કેટલાય રાજકીય પક્ષોએ તેનો વિરોધ કર્યો છે. આ વિધેયકના અમલ માટે આટલી ઉતાવળ શા માટે કરવામાં આવે છે. એ સમજાતું નથી.
મહારાષ્ટ્રમાં સાર્વજનિક ગણેશોત્સવ રંગેચંગે ઊજવાયો નહીં હોવા છતાં કોરોનાનો પ્રસાર વધ્યો છે. હવે નવરાત્રિ અને દિવાળી જેવા મોટા તહેવાર આવવાના છે. કોરોનાના ફેલાવાને ધ્યાનમાં લઈને મંદિર સહિતના ધાર્મિક સ્થળો ખોલવાની ઉતાવળ કરવામાં નહીં આવે, એમ અજિત પવારે ઉમેર્યું હતું.
Published on: Sat, 26 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer