રકુલ પ્રિતે દોષનો ટોપલો રિયા પર નાખ્યો

રકુલ પ્રિતે દોષનો ટોપલો રિયા પર નાખ્યો
મારા ઘરેથી મળેલા કેફી દ્રવ્યો રિયાના છે
મુંબઈ, તા. 25 : અભિનેતા સુશાંત સિંહ રાજપુત કેસમાં ડ્રગ એન્ગલની ચાલતી તપાસમાં અભિનેત્રી રકુલ પ્રિત સિંહ શુક્રવારે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોના અઘિકારીઓ સમક્ષ હાજર થઈ હતી અને પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. 
કોલાબાના એનસીબીના ગેસ્ટ હાઉસમાં વિશેષ તપાસ ટીમ સુશાંત પ્રકરણમાં અને બોલીવૂડના ડ્રગ કનેકશનની તપાસ કરી રહી છે. સવારે રકુલ ગેસ્ટ હાઉસમાં આવી હતી અને બપોરે રવાના થઈ ગઈ હતી. સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી સાથે રકુલના કેફી દ્રવ્યો વિશેના ચૅટ મેસેજીસ અને સુશાંતના ફાર્મ હાઉસમાં યોજાતી ડ્રગ પાર્ટીમાં હાજરીને કારણે તે મુશ્કેલીમાં મુકાઈ છે. રકુલના ઘર પર પાડવામાં આવેલી રેઈડમાં એનસીબીના અધિકારીઓને કેફી દ્રવ્યોપણ મળ્યા હતા. 
પુછપરછમાં રકુલે નખરાં બતાવવાને બદલે ઘરમાંના કેફી દ્રવ્યો અને રિયા સાથેના ચૅટ વિશે કબુલાત કરી હતી. તેણે કહ્યું હતું કે મારા ઘરેથી જે માલ મળ્યો છે એ મારો નથી, પણ રિયા એ મારા ઘરે રાખતી હતી. 
બીજી તરફ એનસીબીના અધિકારીઓએ કહ્યું હતું કે રિયા તેના ભાઈ શોવિક મારફતે નશીલા પદાર્થો ખરીદતી હતી અને એ સુશાંતને આપતી હતી. બાન્દરાના ડ્રગ્સના દલાલ અબ્દેલ બાસિત પરિહારની પૂછપરછમાં શોવિકનું નામ આવ્યું હતું. શોવિક આ દલાલ પાસેથી કેફી દ્રવ્યો લેતો હતો. શોવિકે પણ પરિહાર અને કૈઝાન ઈબ્રાહિમ પાસથી માલ ખરીદતો હોવાની કબુલાત કરી હતી. તેણે કહ્યું હતું કે હું એ માલ મારી બહેનને આપતો જે સુશાંત અંતે અપાતો. સુશાંતનો સ્ટાફ આ કેફી દ્રવ્યની સિગારેટ બનાવતા. 
રકુલે ચાર એકટરનાં નામ આપ્યાં
રકુલ પ્રિતે એનસીબીના અધિકારીએને ડ્રગ સ્કેન્ડલમાં ફિલ્મમેકર કરણ જોહરના એક સહાયક અને બોલીવૂડના અન્ય ચાર એકટરોનાં નામ આપ્યાં હોવાનું કહેવાય છે. 
નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોના અધિકારીઓએ બોલીવુડના ડ્રગ સ્કેન્ડલનો પર્દાફાર્શ કરવા મુંબઈમાં બે ટીવી એકટરના ત્રણ ઠેકાણે દરોડા પાડ્યા હતા. આમાં ઓશિવરા અને પવઈના ઠેકાણાનો સમાવેશ હતો.
Published on: Sat, 26 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer