મુક્ત અને ન્યાયી ચૂંટણીના પરિણામ ડોનાલ્ડ ટ્રમ્પ સ્વીકારશે : વ્હાઈટ હાઉસ

મુક્ત અને ન્યાયી ચૂંટણીના પરિણામ ડોનાલ્ડ ટ્રમ્પ સ્વીકારશે : વ્હાઈટ હાઉસ
વૉશિંગ્ટન, તા. 25 : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ `મુક્ત અને ન્યાયી' ચૂંટણીનું જે પરિણામ આવશે એને સ્વીકારશે, એમ ટ્રમ્પના પ્રેસ સેક્રેટરીએ આજે જણાવ્યું હતું. ટ્રમ્પે ગઈ કાલે એવું વિધાન કર્યું હતું કે અમેરિકાની ચૂંટણીમાં થઈ રહેલા મેઈલ કે પોસ્ટ બેલેટ (મતદાન)માં ગોબાચારીની શંકા છે. તેથી આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી જશે. હું હારી જઈશ તો પણ સહેલાઈથી સત્તા નહીં છોડું. પ્રમુખના આવા ચોંકાવનારા નિવેદનથી વિરોધ પક્ષોએ ટ્રમ્પની આકરી ટીકા કર્યા બાદ વ્હાઈટ હાઉસ તરફથી આ સ્પષ્ટતા કરાઈ હતી.
ત્રણ નવેમ્બરે જાહેર થનારા ચૂંટણી પરિણામમાં તમે હારી જશો તો સન્માનપૂર્વક વિજેતાને સત્તા સોંપીને વ્હાઈટ હાઉસ છોડી જશો? એવા સવાલના જવાબમાં ટ્રમ્પે ગઈ કાલે કહ્યું હતું કે `અમે જોઈશું કે શું થાય છે. સૌ જાણે છે કે અમે પોસ્ટ બેલેટમાં શંકા દર્શાવી છે અને આ મામલો સર્વોચ્ચ અદાલતમાં જશે. હું સહેલાઈથી સત્તા છોડીશ નહીં.'
ટ્રમ્પના આવા વિધાનને વિરોધ પક્ષ ડેમોક્રેટિક પાર્ટી ઉપરાંત સત્તાધારી ટ્રમ્પની પાર્ટી રિપબ્લિકના સેનેટરોએ પણ નકારી કાઢયું હતું. બધાએ એક સૂરે કહ્યું હતું કે નવેમ્બરમાં વિજેતા થશે એ જ જાન્યુઆરી, 2021માં શપથ લેશે અને સત્તા પર આવશે.
Published on: Sat, 26 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer