ઉપગ્રહ પ્રણાલી ડૉ. વિક્રમ સારાભાઈની દેશને મહાન ભેટ : રાષ્ટ્રપતિ

ઉપગ્રહ પ્રણાલી ડૉ. વિક્રમ સારાભાઈની દેશને મહાન ભેટ : રાષ્ટ્રપતિ
નવી દિલ્હી, તા. 25 : દેશના અંતરીક્ષ કાર્યક્રમના જનક ડૉ. વિક્રમ સારાભાઈએ દશકો અગાઉ શિક્ષણમાં કૃત્રિમ ઉપગ્રહ પ્રણાલી અને સંચાર માધ્યમના મહત્ત્વને કેન્દ્ર સ્થાને રાખ્યું હતું અને આ કાર્યક્રમને કારણે જ હાલમાં કોરોના મહામારી શિક્ષણ વ્યવસ્થાને બાધિત કરવામાં નિષ્ફળ રહી અને દેશમાં આ કટોકટીના સમયમાં પણ ડિસ્ટેન્સ એજ્યુકેશન (ઈન્ટરનેટના માધ્યમથી શિક્ષણકાર્ય) ચાલી રહ્યું છે, એમ રાષ્ટ્ર પ્રમુખ રામનાથ કોવિંદે આજે જણાવ્યું હતું. ડૉ. વિક્રમ સારાભાઈ જન્મ શતાબ્દી કાર્યક્રમના સમાપન સમારોહમાં વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી રાષ્ટ્રપ્રમુખે જણાવ્યું હતું કે ડૉ. વિક્રમ સારાભાઈના અંતરીક્ષ પ્રોગ્રામ માટે દેશના ખૂણે - ખૂણેથી પ્રતિભાશાળી વિજ્ઞાનીઓ, સમાજ વિજ્ઞાનીઓ, કૉમ્યુનિકેશન્સ એક્સપર્ટસનો મોટો સમૂહ દેશમાં છે.
કોવિંદે કહ્યું હતું કે ડૉ. સારાભાઈ રાષ્ટ્રના વિકાસમાં ઉપગ્રહ પ્રણાલીના ઉપયોગને દર્શાવવા ઈચ્છતા હતા. તેમણે જણાવ્યું હતું કે હું એક સ્વપ્નદૃષ્ટા છું અને એવું સપનું જોઈ રહ્યો છું કે ભારતીયો ટેલિવિઝનના માધ્યમથી શિક્ષણ મેળવશે. સંચાર ઉપગ્રહના માધ્યમથી આપણે એક દિવસ આવું કરવામાં સક્ષમ થવાના છીએ. કોવિંદે જણાવ્યું હતું કે આજે આપણે ડૉ. સારાભાઈના આ સપનાને સમજ્યા છીએ. કોરોના મહામારી દેશની શિક્ષણ પ્રણાલીને બાધીત નથી કરી શકી અને ડિસ્ટેન્સ એજ્યુકેશન હાલમાં દેશમાં સફળતાથી ચાલી રહ્યું છે. ડૉ. સારાભાઈના આ સપનાના કારણે જ તેમણે સ્થાપેલી `ઈસરો' આજે માનવરહિત અંતરીક્ષ યાનની ઉડાન માટે તૈયારી કરી રહ્યું છે.
રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે ગગનયાન દેશની સ્વતંત્રતાના અમૃત મહોત્સવી વર્ષના અવસરે ઉડાન ભરશે એ નક્કી થયું છે, એ ડૉ. સારાભાઈની મહાન વિરાસત દર્શાવે છે. ભારતના મહાન સપૂત ડૉ. વિક્રમ સારાભાઈને હું નત મસ્તક દેશવાસીઓ તરફથી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. ભારતીય અંતરીક્ષ કાર્યક્રમના જનક ડૉ. સારાભાઈ દેશમાં વિશ્વ સ્તરના વિજ્ઞાનીઓ તેમ જ નીતિનિર્માતા અને સંસ્થા નિર્માતા છે, આવું ભવ્ય વ્યક્તિત્વ વિરલ હોય છે.
કોવિંદે કહ્યું હતું કે ડૉ. સારાભાઈ અને ડૉ. ભાભા બન્ને માત્ર દેશના મહાન વિજ્ઞાનીઓ જ નહોતા. તેમણે દેશને આધુનિક વિકાસનો માર્ગ પણ પ્રશસ્ત કરી આપ્યો છે. ડૉ. સારાભાઈ કહેતા કે આપણે માનવતા અને સમાજની વાસ્તવિક સમસ્યાઓના સંદર્ભમાં ઉન્નત પ્રોદ્યોગિકીના ઉપયોગના ક્ષેત્રમાં અગ્રેસર બનવું છે. આજે દેશ `આત્મનિર્ભર ભારત' માટે પ્રયાસરત છે ત્યારે આપણે તેમના વિધાનોનું મહત્ત્વ સમજવું પડશે.
Published on: Sat, 26 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer