કૃષિ સુધારા સામેનો વિરોધ રાજકીય

કૃષિ સુધારા સામેનો વિરોધ રાજકીય
કૃષિ ખરડાના મુદ્દે વિપક્ષો પર વડા પ્રધાનના પ્રહાર
નવી દિલ્હી, તા. 25 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસંઘના અધ્યક્ષ રહેલા પંડિત દિનદયાળ ઉપાધ્યાયની જયંતી ઉપર કૃષિ સંબંધી વિધેયકો અને શ્રમ સુધારાની દિશામાં સરકાર તરફથી ઉઠાવવામાં આવેલા મહત્ત્વના પગલાની વિસ્તૃત જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે, ભાજપ માટે હંમેશા રાષ્ટ્રહિત સર્વોપરી હોય છે અને તેના અનુસાર જ કામ કરવામાં આવે છે. પીએમ મોદીએ કૃષિ વિધયેકો ઉપર વિરોધ કરી રહેલા રાજનીતિક દળો અને સંગઠનો ઉપર ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો આરોપ મુક્યો હતો.
મોદીએ કહ્યું હતું કે, હર ઘર જલની યોજના હોય કે દરેક ગામ સુધી ઈન્ટરનેટ જોડાણનું વચન તમામ કામ દેશના લોકોનું જીવન સરળ બનાવશે. તેમાં આર્ટિકલ 37, અયોધ્યામાં રામ મંદિર નિર્માણ વગેરે પણ સામેલ છે જે દશકો સુધી તપસ્યાનો આધાર રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું હતું કે, ખેડૂતોથી હંમેશા ખોટુ બોલનારા અમુક લોકો પોતાના રાજનીતિક સ્વાર્થ માટે ખેડૂતોને ભ્રમિત કરી રહ્યા છે. અફવા ફેલાવી રહ્યા છે. ખેડૂતોને આવી કોઈપણ અફવાથી બચાવવા ભાજપ કાર્યકરોની જવાબદારી છે. મોદીએ કહ્યું હતું કે, ભાજપનું વૈચારિક તંત્ર અને રાજનીતિક મંત્ર સાફ છે. ભાજપ માટે રાષ્ટ્રહિત સૌથી ઉપર છે. નેશન ફર્સ્ટ જ મંત્ર છે અને કર્મ પણ છે. 
પીએમએ વિપક્ષ ઉપર ખેડૂતો અને શ્રમિકોના નામે રાજનીતિક રોટલા શેકવાનો આરોપ મુક્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે, આઝાદીના અનેક દશક સુધી ખેડૂત અને શ્રમિકોના નામે ઘણા નારા લાગ્યા હતા.
મોટા મોટા ઘોષણાપત્ર બન્યા હતા પણ સમયની કસોટી કોઈએ પાર કરી નહોતી. આ વાત દેશ જાણે છે. ખેડૂતો અને શ્રમિકોના નામે ઘણા રાજ્યોમાં સરકાર બની પણ તેઓએ વચનો અને કાયદાની ગુંચવણ આપી હતી. જેને કોઈ સમજી શકતા નહોતા. ખેડૂતોને એવા કાયદામાં રાખ્યા કે તેઓ પોતાની ઉપજને મન મુજબ વહેંચી પણ શકતા નહોતા પણ એનડીએ સરકારે આ સ્થિતિને બદલવા માટે કામ કર્યુ છે.
Published on: Sat, 26 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer