કૃષિ ખરડાના વિરોધમાં ભારત બંધ : પંજાબ સિવાયના રાજ્યોમાં નહિવત્ અસર

કૃષિ ખરડાના વિરોધમાં ભારત બંધ : પંજાબ સિવાયના રાજ્યોમાં નહિવત્ અસર
ખેડૂતોના 30 સંગઠન, 18 રાજકીય પક્ષોનું સમર્થન  
નવી દિલ્હી, તા.25: સંસદમાં પસાર કરવામાં આવેલા કૃષિ સુધાર ખરડા (ફાર્મ બિલ)ના વિરોધમાં ખેડૂત સંગઠનોએ શુક્રવારે ભારત બંધનું એલાન આપ્યું હતું જેને ભારતીય કિસાન યુનિયન, અખિલ ભારતીય કિસાન સંઘ, અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમિતિ અને ભારતીય કિસાન મહાસંઘ સહિત આશરે બે ડઝન જેટલા ખેડૂત સંગઠનો અને અનેક રાજકીય દળોએ સમર્થન આપ્યું હતું.
પંજાબ સિવાય દેશના અન્ય રાજ્યોમાં આ બંધની કોઈ ખાસ અસર જોવા મળી ન હતી. હરિયાણા, મહારાષ્ટ્ર, યુપી સહિત રાજ્યોમાં ખેડૂતો રસ્તા પર ઉતરે તેવું માનવામાં આવતું હતું. પરંતુ ખાસ કોઈ પ્રતિસાદ સાંપડયો ન હતો. પંજાબ અને હરિયાણાના 31 જેટલા ખેડૂત સંગઠન પહેલેથી જ વિરોધમાં ઉતરી ચૂકયા છે. શુક્રવારે ભારત બંધનું એલાન આપી તેમણે સરકારને પોતાની ચિંતાઓથી અવગત કરાવી હતી. ખેડૂત સંગઠનોએ ખેડૂતોને આ ખરડાઓના વિરોધમાં આગળ આવવા આહવાન આપ્યું છે. ભારતીય કિસાન યુનિયનના રાકેશ ટિકૈતે કહ્યું કે રપ સપ્ટે.એ ખેડૂતોનો કર્ફયુ હશે જ્યાં સુધી સરકાર એમએસપીના આધારે ઉપજની ખરીદીની ગેરન્ટી કાયદામાં નહીં આપે ત્યાં સુધી આંદોલન ચાલતું રહેશે.
કૃષિ ખરડાના વિરોધમાં છેડાયેલા આંદોલનને કોંગ્રેસ સહિત 18 રાજકીય પક્ષોએ સમર્થન આપ્યું છે.
જેમાં ટીએમસી, ડાબેરીઓ, આપ, ટીઆરએસ બિલના વિરોધમાં છે. ઓડિશાની બીજેડીએ આ ખરડાને સિલેક્ટ કમિટિને મોકલવાની માગ કરી છે. આ પહેલા પંજાબમાં ખેડૂતોએ રેલરોકો આંદોલન છેડતા અનેક ટ્રેનો રદ કરવી પડી હતી.
Published on: Sat, 26 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer