વૈશ્વિક સોનું ઘટ્યું પણ સ્થાનિકમાં મજબૂતી

અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 22 : વૈશ્વિક સ્તરે સોના-ચાંદીના ભાવ ડોલરની મજબૂતીને લીધે ગબડ્યા હતા. અલબત્ત સ્થાનિક બજારમાં કોઇ ફેરફાર થયો ન હતો. અમેરિકાના કોરોના વાઇરસ પેકેજની જાહેરાત ચૂંટણી પહેલા થશે કે કેમ તે આડે ફરીથી શંકાના વાદળો છવાઇ જતા ડોલર વધ્યો હતો અને ધાતુઓ નરમ પડી ગઇ હતી. ન્યૂયોર્કમાં સોનાનો ભાવ આ લખાય છે ત્યારે 1911 ડોલર હતો. 
વિશ્લેષકો કહે છે, સોનું લાંબા સમયથી ડોલર અને પેકેજના સમાચારો ઉપર અથડાઇ ગયું છે. પેકેજ જાહેર થઇ જાય તો બજારને ચોક્કસ દિશા મળશે પણ અત્યારે તો અસ્થિર બજાર થઇ ગઇ છે. પેકેજ જાહેર થાય તો નાણાનો અઢળક પુરવઠો સિસ્ટમમાં સર્જાય તેમ છે એમ થતા ફુગાવાને બળ મળશે તેમ રોકાણકારો માને છે. પેકેજ માત્ર અમેરિકા જ નહીં વિશ્વના વિવિધ અર્થતંત્રો ઉપર અસર પાડે તેમ છે. 
વિશ્લેષક રોબિન ભાર કહે છે, સોનું અત્યારે ડોલરની પાછળ ચાલી રહ્યું છે. પેકેજ મુદ્દે હવે સૌ સહમન થઇ ગયા છે પણ વધારે સમય રાહ જોવાય તેમ નથી કારણકે હવે ચૂંટણી આડે બહુ ઓછો સમય બાકી રહ્યો છે. મતદાનની પ્રક્રિયા અત્યારે શરુંથઇ ગઇ છે એટલે હવે પેકેજ ખોરંભે પડે તેવુંલાગે છે. આ સ્થિતિમાં બજાર સાઇડ વે રહેશે.1950 ડોલરનું સ્તર ન વટાવે ત્યાં સુધી મોટી તેજી થવી મુશ્કેલ છે. 
સોનું હેજરુપી ખરીદીને લીધે ચાલુ વર્ષે 26 ટકા જેટલું સુધરી ગયું છે. ઉદ્દીપક પેકેજ અને આર્થિક મંદીની ખબરો પર જ અત્યાર સુધી તેજી થઇ છે. રોકાણકારો અત્યારે ટ્રમ્પ અને ડેમોક્રેટના હરિફ ઉમેદવાર જો બીડન વચ્ચે થનારી છેલ્લી ડિબેટની રાહ જોઇ રહ્યા છે. ગુરુવારે અઠવાડિક બેરોજગારીના આંકડાની પણ જાહેરાત થવાની હતી. 
રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામે રુ.50 વધીને રુ.52600 હતો. મુંબઇમાં રુ.16 ઘટીને રુ. 51360 હતો. ચાંદીનો ભાવ ન્યૂયોર્કમાં 24.60 ડોલર રનીંગ હતો. રાજકોટમાં એક કિલોએ રુ.200ના ઘટાડે રુ. 62300 અને મુંબઇમાં રુ. 484ના ઘટાડામાં રુ. 62779 હતી. 

Published on: Fri, 23 Oct 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer