હૈદરાબાદ સામે રાજસ્થાનના છ વિકેટે 154 રન

હૈદરાબાદ સામે રાજસ્થાનના છ વિકેટે 154 રન
દુબઇ, તા. 22 : સનરાઇઝર્સ હૈદરાબાદ વિરૂધ્ધના કરો યા મરો સમાન આઇપીએલના આજના મેચમાં રાજસ્થાન રોયલ્સની ટીમ 20 ઓવરના અંતે 6 વિકેટે 154 રનનો સમાન્ય સ્કોર જ કરી શકી હતી. હૈદરાબાદની ચુસ્ત બોલિંગ-ફિલ્ડીંગ અને દુબઇની ધીમી વિકેટ પર રોયલ્સના બેટધરો ખુલીને રમી શકયા ન હતા. સૌથી વધુ 36 રન સંજૂ સેમસને કર્યાં હતા. તેણે 26 દડાની ઇનિંગમાં 3 ચોકકા અને 1 છકકો ફટકાર્યોં હતો.
ઓપનિંગમાં આવેલ રોબિન ઉથપ્પાએ 13 દડામાં 2 ચોકકા અને 1 છકકાથી ઝડપી 19 રન બનાવ્યા હતા. જયારે બેન સ્ટોકસે 32 દડામાં 2 ચોકકાથી 30 રનનું યોગદાન આપ્યું હતું. રાજસ્થાનનો મુખ્ય બેટધર ગણાતો જોસ બટલર આજના મેચમાં નિષ્ફળ રહયો હતો. તેણે ફકત 9 રન જ કર્યાં હતા. જયારે સુકાની સ્મિથ 19, રિયાન પરાગ 20 રને આઉટ થયો હતો. તેવતિયા છેક 19મી ઓવરમાં બેટિંગમાં આવ્યો હતો. તે અને આર્ચર અનુક્રમે 2 અને 16 રને નોટઆઉટ રહ્યા હતા. આથી રાજસ્થાન 6 વિકેટે 154 રને પહોંચ્યું હતું. હૈદરાબાદ તરફથી જેસન હોલ્ડરે સિઝનનો પહેલો મેચ રમીને 33 રનમાં 3 વિકેટ લીધી હતી.Published on: Fri, 23 Oct 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer