સંઘર્ષરત ચેન્નાઈનો આજે મુંબઈ સામે આર યા પારનો જંગ

સંઘર્ષરત ચેન્નાઈનો આજે મુંબઈ સામે આર યા પારનો જંગ
કૅપ્ટન કૂલ ધોની યુવા ખેલાડીઓ પર દાવ લગાડશે?
શારજાહ, તા. 22 : ખરાબ સમયમાંથી પસાર થઈ રહેલી અને પોઇન્ટ ટેબલ પરની તળિયાની ટીમે ચેન્નાઈ સુપર કિંગ્સ આવતીકાલ શુક્રવારે રમાનાર આઇપીએલના મુકાબલામાં વર્તમાન ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ સામે ટકરાશે ત્યારે સીએસકેનો સુકાની ધોની નવો દાવ ખેલીને તેની ટીમમાં કેટલાક યુવા ખેલાડીઓને અજમાવી શકે છે. કેપ્ટન કૂલ ધોની રાજસ્થાન સામેની હાર બાદ સ્વીકારી ચૂકયો છે કે તેમની આ વખતની પ્લેઓફની સફર લગભગ સમાપ્ત થઈ ચૂકી છે. આમ છતાં બાકીના ચાર મેચની જીત અને જો અને તોની સ્થિતિ તેની ટીમ નોકઆઉટમાં પહોંચી શકે છે. ટીમના કોચ ફલેમિંગે કહ્યં હતું તેની ટીમ મોટી વયના ખેલાડીઓથી ભરેલી પડી છે. જે પાછલી બે સિઝનમાં શાનદાર દેખાવ કર્યા બાદ હવે ચમક ખોઈ ચૂક્યા છે. આ ખેલાડીઓ સાથેની સીએસકે ટીમે 2018માં ખિતાબ જીત્યો હતો અને 2019માં ઉપવિજેતા બની હતી.
ચેન્નાઈને પાછલા મેચમાં રાજસ્થાન સામે હાર મળી હતી. હવે ટીમમાં ઓલરાઉન્ડર બ્રાવો પણ નથી. તે ઇજાને લીધે ટૂર્નામેન્ટની બહાર થઈ ગયો છે. રાજસ્થાન સામે ધોનીની ટીમ 20 ઓવરમાં ફક્ત 125 રન જ કરી શકી હતી. પ્લેસિસને છોડીને સુકાની ધોની સહિતના બેટધરો સારું પ્રદર્શન કરી શક્યા નથી. કેદાર જાધવને વારંવાર તક આપવાની પણ ટીકા થઈ રહી છે. રવીન્દ્ર જાડેજા બેટિંગમાં ઠીકઠાક દેખાવ કરી રહ્યો છે પણ બોલિંગ મોરચે તેની નિષ્ફળતા ધોનીને ભારે પડી રહી છે. 
બીજી તરફ મુંબઈને તેના પાછલા મેચમાં પંજાબ સામે ડબલ સુપર ઓવરમાં હાર સહન કરવી પડી છે. આમ છતાં ટીમ સતત શાનદાર દેખાવ કરી રહી છે. આથી ચેન્નાઈ સામે તેનું પલડું ભારે રહેશે. પંજાબ સામેની હાર પહેલ મુંબઈની ટીમ સતત પાંચ મેચ જીતીને પ્લેઓફની નજીક છે. તેના બેટ્સમેન અને બોલરો ક્ષમતા મુજબનો દેખાવ કરી રહ્યા છે. ટીમનો પ્લસ પોઇન્ટ પોલાર્ડનું પાવર હિટીંગ છે. શુક્રવારના મેચની જીતથી રોહિત શર્માના સુકાનીપદ હેઠળની ટીમ મુંબઈ ઇન્ડિયન્સ પ્લેઓફના દ્વારે પહોંચી જશે. તેના ખાતામાં 9 મેચના અંતે 12 પોઇન્ટ છે.Published on: Fri, 23 Oct 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer