માળખાકીય સુવિધાઓ ઊભી કરવા સંરક્ષણ અને રેલવેની વધારાની જમીનમાંથી નાણાં ઊભા કરાશે

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 22 : કેન્દ્રમાં એનડીએ સરકાર રેલવે, સંદેશ વ્યવહાર અને સંરક્ષણ સહિત કેટલાંક મહત્ત્વના મંત્રાલયો અને ખાતાની `વપરાયા વિનાની જમીન'માંથી નાણાં ઊભા કરવાની દરખાસ્ત અંગે સક્રિય વિચારણા ચલાવી રહી છે. આ દ્વારા પ્રાપ્ત થનારા નાણાંનો ઉપયોગ દેશભરમાં માળખાકીય સગવડો ઊભો કરવા માટે કરાશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે વિવિધ મંત્રાલય અને ખાતા પાસેની વધારાની જમીન અંગેની વિગતો તૈયાર છે. હવે તે જમીન વેચીને નાણાં ઊભા કરવાની દરખાસ્ત તૈયાર કરવામાં આવશે. આ અંગેની યોજનાને અંતિમરૂપ આપવામાં આવ્યું છે.
વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના અખત્યાર હેઠળની ભારત સંચાર નિગમ લિમિટેડ બીએસએનએલએ તેની વધારાની જમીન વેચીને નાણાં ઊભા કરવાની યોજના ઘડી કાઢી છે. બીએસએનએલ પાસે 24,980 કરોડ રૂપિયાની જમીન વેચવા માટેની છે.
દેશમાં રેલવે અને સંરક્ષણ મંત્રાલયો પાસે ખૂબ જ મોટા પ્રમાણમાં જમીન છે. છેલ્લા સરકારી આંકડા અનુસાર રેલવે પાસે 4.78 લાખ હેક્ટર (11.80 લાખ એકર) જમીન છે. તેમાંથી 0.51 લાખ હેક્ટર (1.25 લાખ એકર) જમીન વપરાયા વિનાની છે. સંરક્ષણ ખાતા પાસે 17.95 લાખ એકર જમીન છે. તેમાં 62 કેન્ટોનમેન્ટ વિસ્તારમાં 1.62 લાખ એકર જમીન છે. અન્ય સરકારી ખાતાના સહભાગ વડે આ જમીનમાંથી નાણાં ઊભા કરવામાં આવશે.
રેલવે મંત્રાલયની વધારાની જમીનમાંથી રેલ ડેવલપમેન્ટ અૉથોરિટી વિવિધ મોડેલ મારફતે નાણાં ઊભા કરવાની યોજના ધરાવે છે. રેલવે મંત્રાલય 15,000 કરોડ રૂપિયાના ટેન્ડર ચાલુ નાણાંકીય વર્ષમાં બહાર પાડવાની ગણતરી ધરાવે છે.Published on: Fri, 23 Oct 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer