બિહારમાં કૉંગ્રેસ કાર્યાલય ઉપર આઈટીનો દરોડો : આઠ લાખ રૂપિયા મળ્યા

સુરજેવાલા, શક્તિસિંહની પૂછપરછ, કાર્યાલય બહાર નોટિસ 
પટણા, તા. 22 : આવકવેરા વિભાગની ટીમે બિહારના પટણામાં કોંગ્રેસ કચેરી સદાકત આશ્રમમાં દરોડો પાડયો હતો. આવકવેરા વિભાગને દરોડામાં 8 લાખ રૂપિયા મળ્યા છે તેમજ એક શખસને ઝડપી પાડવામાં આવ્યો છે અને કોંગ્રેસ કાર્યાલય બહાર નોટિસ મારવામાં આવી છે. આ મામલામાં કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલા અને બિહારના પ્રભારી શક્તિસિંહ ગોહિલની પુછપરછ કરવામાં આવી હતી. 
શક્તિસિંહ ગોહિલે આ મામલે કહ્યું હતું કે, રૂપિયા કોંગ્રેસ કચેરીની બહારથી મળી આવ્યા છે. આ મામલે સહયોગ કરવામાં આવશે. 
આઈટી ટીમે કોંગ્રેસ કચેરીએ નોટિસ ચોંટાડી દીધી છે. જ્યારે શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે, તેને ખ્યાલ નથી કે રૂપિયા કોના છે. જાણકારી અનુસાર આઈટીની રેડ અંદાજીત એક કલાક સુધી ચાલી હતી. આવકવેરા વિભાગે આ મામલે એક શખસને ઝડપ્યો છે. તેણે નિવેદનમાં કહ્યું હતું કે, રૂપિયા પટણામાં કોઈને આપવાના હતા. આવકવેરા વિભાગે કોંગ્રેસ પાસે આ પુરા મામલામાં જવાબ માગ્યો છે. આઈટીએ કોંગ્રેસને સવાલ કર્યો હતો કે ફંડ ક્યાંથી આવ્યું છે અને ક્યા નેતાએ ઝડપાયેલા શખસને રૂપિયા આપ્યા હતા. 
શક્તિસિંહ ગોહિલે આ મામલે આવકવેરા વિભાગને નિશાને લીધો હતો. તેમણે કહ્યું હતું કે, પરિસરની બહારથી રૂપિયા બરામદ થયા બાદ આવકવેરા વિભાગે નોટિસ આપી છે પરિસરની અંદરથી પૈસા બરામદ થયા નથી. આ મામલે સહયોગ કરવામાં આવશે. 
કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે, રક્સૌલથી ભાજપના ઉમેદવાર પાસેથી 22 કિલો સોનું, 2.5 કિલો ચાંદી બરામદ કરવામાં આવી હતી. આવકવેરા વિભાગ ત્યાં કેમ જઈ રહ્યો નથી. 
કોંગ્રેસ કાર્યાલયેથી રોકડ મળ્યા બાદ રાજનીતિક નિવેદનબાજી પણ શરૂ થઈ છે. બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીએ કહ્યું હતું કે, સરકાર બને તે પહેલા જ મહાગઠબંધનના નેતા લુટફાટ કરવા લાગ્યા છે. 
આવકવેરા વિભાગ મહાગઠબંધનના નેતાઓને ત્યાં દરોડા પાડે, ત્યાંથી અબજો રૂપિયા મળશે.Published on: Fri, 23 Oct 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer