વિરારમાં બાળ ભિક્ષુકો પાસેથી ચોરેલા 14 મોબાઈલ મળ્યા

મુંબઈ, તા. 22 : વિરાર પૂર્વમાં આરજે નાકા વિસ્તારમાં ભીખ માગતા બાળ ભિક્ષુકો પાસેથી મોંઘાદાટ 14 મોબાઈલ હેન્ડસેટ મળી આવતા આ વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. 
આ બાળ ભિક્ષુકો ચોરી કરતા હોવાની ત્યાંના કેટલાક જાગરુક નાગરિકોને શંકા હતી. આથી આ નાગરિકોએ આ બાળ ભિક્ષુકો જ્યાં રહેતા હતા ત્યાં તપાસ કરી હતી અને તેમણે જમીનમાં દાટીને છુપાવવામાં આવેલા 14 મોબાઈલ હેન્ડસેટ મળ્યા હતા. 
તરત જ આની માહિતી પોલીસને આપવામાં આવી હતી. વિરાર પોલીસે આ બાળ ભિક્ષુકોને તાબામાં લીધા હતા અને મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા. થોડા સમય પહેલાં આવી ઘટનાનો પર્દાફાર્શ નાલાસોપારામાં થયો હતો. 
વસઈ-વિરાર રસ્તા પર તેમ જ હાઈવેને જોડતા રસ્તા પર આ બાળ ભિક્ષુકો ભીખ માગવાના નામે કારમાં હાથ નાખીને મોબાઈલ અને અન્ય કીમતી વસ્તુઓ તફડાવતા હતા. લોકડાઉન બાદ વસઈ-વિરાર વિસ્તારમાં બાળ ભિક્ષુકોના ટોળા ઊતરી આવ્યા હોવાથી લોકો ત્રસ્ત છે.Published on: Fri, 23 Oct 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer