સીબીઆઈનો રાજકીય હેતુ માટે ઉપયોગ ન થાય એ માટે પરમિશન પાછી ખેંચાઈ છે : દેશમુખ

મુંબઈ, તા. 22 : મહારાષ્ટ્રમાં તપાસ કરવાની સીબીઆઈને આપવામાં આવેલી સત્તા રાજ્ય સરકારે બુધવારે પાછી ખેંચી લીધી એના એક દિવસ બાદ ગુરુવારે રાજ્યના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે કહ્યું હતું કે સીબીઆઈનો રાજકીય હેતુ માટે ઉપયોગ ન થાય એ માટે આ સત્તા પાછી ખેંચી લેવાઈ છે. હવેથી સીબીઆઈને મહારાષ્ટ્રમાં કોઈ મામલાની તપાસ કરવી હશે તો એને રાજ્ય સરકારની પરમિશન લેવી પડશે. 
મહારાષ્ટ્ર સરકારે સીબીઆઈને રાજ્યમાં ગુનાની તપાસ કરવા માટે અત્યાર સુધી જનરલ પરમિશન આપી હતી, પણ ટીઆરપી કૌભાંડમાં ઉત્તર પ્રદેશ પોલીસે કેટલીક અજ્ઞાત ટીવી ચેનલો સામે રજિસ્ટર કરેલો કેસ સીબીઆઈને સોંપવામાં આવતા ઉદ્ધવ સરકારે આ પરમિશન પાછી ખેંચી લીધી હતી. મુંબઈ પોલીસ પણ પાંચ ચેનલો સામે ટીઆરપી કૌભાંડના તપાસ કરી રહી છે અને આ કેસ પણ સીબીઆઈ પોતાને હસ્તક લઈ લેશે એવા ડરને કારણે રાજ્ય સરકારે આ જનરલ પરમિશન પાછી ખેંચી લીધી હતી. 
અનિલ દેશમુખે કહ્યું હતું કે સીબીઆઈને આપવામાં આવેલી સત્તા બુધવારે એક આદેશ બહાર પાડી પાછી ખેંચી લેવામાં આવી હતી. સીબીઆઈની રચના દિલ્હી પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ ઍક્ટ હેઠળ કરાઈ છે અને સીબીઆઈને આ સત્તા આ ઍક્ટ હેઠળ તપાસનો છૂટો દોર આપવામાં આવેલો. 
બુધવારે ગૃહ મંત્રાલયે બહાર પાડેલા આદેશમાં કહ્યું હતું કે દિલ્હી પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ ઍક્ટ, 1946ની કલમ 6 હેઠળ આપવામાં આવેલી સત્તા અનુસાર મહારાષ્ટ્ર સરકાર બાવીસ ફેબ્રુઆરી 1989ના સરકારી ઓર્ડર હેઠળ સીબીઆઈને આપેલી મંજૂરી પાછી ખેંચી લે છે. 
ગૃહ પ્રધાને કહ્યું હતું કે અગાઉની રાજ્ય સરકારોએ સીબીઆઈને રાજ્યમાં તપાસ માટે છૂટો દોર આપ્યો હતો. અમે આ છૂટા દોર પર લગામ મૂકી છે. અમને અવું લાગે છે કે સીબીઆઈ મારફત રાજકીય વેર લેવામાં આવે છે. આથી આવું ન થાય એ માટે અમે આ મંજૂરી પાછી ખેંચી છે.Published on: Fri, 23 Oct 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer