ઝવેરી બજાર પરિસરમાંની દુકાનો અને અૉફિસોનું સર્વેક્ષણ શરૂ કરાયું

કટલેરી માર્કેટની ભીષણ આગ બાદ
નિયમોનું પાલન નહીં કરનારાઓને અપાશે નોટિસ
કેતન જાની તરફથી
મુંબઈ, તા. 22 : દક્ષિણ મુંબઈમાં કટલેરી માર્કેટમાં ગત ચોથી અૉક્ટોબરે લાગેલી ભીષણ આગને પછી હવે મુંબઈ મહાપાલિકાએ હવે તે પરિસરમાં આવેલી અૉફિસો અને દુકાનોનું સર્વેક્ષણ શરૂ કર્યું છે. આ સર્વેક્ષણના જ્યાં નિયમોનું ઉલ્લંઘન થતું હશે, તેઓને પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી શકે છે.
પાલિકાના `સી' વૉર્ડના સહાયક આયુક્ત ચક્રપાણી અલ્લેએ જણાવ્યું હતું કે દક્ષિણ મુંબઈમાં ઝવેરી બજાર પરિસરમાં આવેલી ઝંઝીકર સ્ટ્રીટ સ્થિત કટલેરી માર્કેટની ઇમારતમાં લાગેલી આગમાં ખૂબ જ નુકસાન થયું છે. આ ભીષણ આગ પછી મુંબઈ પાલિકાના લાઈસન્સ અને બિલ્ડિંગ ઍન્ડ ફેક્ટરી ડિપાર્ટમેન્ટે, અગ્નિશમન દળ, આરોગ્ય ખાતુ અને `બેસ્ટ' ઉપક્રમ તેમ જ `મ્હાડા'ના અધિકારીઓ દ્વારા સંયુક્ત પણે સર્વેક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. આ સર્વેક્ષણમાં નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનું જણાશે, તેઓને નોટિસો આપવામાં આવશે, એમ અલ્લેએ ઉમેર્યું હતું.
ઝવેરી બજારમાં સોના-ચાંદીની દુકાન ધરાવતા વેપારીએ પોતાનું નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ગત સોમવારથી પાલિકા સહિત વિવિધ સરકારી ખાતાઓના અધિકારીઓની ટુકડી દુકાનોનું સર્વેક્ષણ કરવા ફરી રહી છે. તેઓ દુકાનદાર કે વેપારી પાસે રોલિંગ શટર અને શોપ્સ ઍન્ડ એસ્ટાબ્લિસમેન્ટ ઍક્ટ હેઠળનું લાઈસન્સ તપાસે છે. વીજળીના વાયર લટકતા નહીં રાખવાની સૂચના આપે છે. આગના મુકાબલા માટે દુકાને કે અૉફિસ અગ્નિશામક રાખવાની સૂચના આપે છે. આગ લાગે એવા સંજોગોમાં દરવાજાની જગ્યા મોકળી રાખવાની અને ત્રણફૂટ બાય ત્રણ ફૂટનો `ઇમર્જન્સી એક્સિટ' (અર્થાત સંકટ સમયે બહાર નીકળવા માટેનો વૈકલ્પિક દરવાજો) રાખવાનું પણ કહી રહ્યા છે. એમ તેમણે ઉમેર્યું હતું.
ગત ચોથી અૉકટોબરે કટલેરી માર્કેટમાં લાગેલી આગ ઝડપથી સુતાર ચાલ અને અબ્દુલ રહેમાન સ્ટ્રીટના બિલ્ડિંગો સુધી પ્રસરી હતી, આગને કારણે ઝંઝીકર સ્ટ્રીટ, અબ્દુલ રહેમાન સ્ટ્રીટ ઝવેરી બજાર અને સુતાર ચાલની કેટલીય ઇમારતોનો વીજપુરવઠો સાવચેતીના પગલારૂપે કાપ મૂકવામાં આવ્યો હતો. તે લગભગ ચારથી પાંચ દિવસે પૂર્વવત થયો હતો. મુંબઈ પાલિકાને શંકા છે કે અમુક ઇમારતોમાં પ્લાસ્ટિક કે તેના જેવી જ્વલનશીલ ચીજો સંઘરવામાં આવી હતી. તેના કારણે આગ ઝડપથી પ્રસરી હતી.Published on: Fri, 23 Oct 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer