સુશાંત કેસનું વેરઝેર ભુલાઈ ગયું : કિડનાપિંગ કેસ ઉકેલવામાં મુંબઈ પોલીસે બિહાર પોલીસની મદદ કરી

મુંબઈ, તા. 22 : અભિનેતા સુશાંતાસિંહ રાજપુત કેસમાં મહારાષ્ટ્ર પોલીસ અને બિહાર પોલીસ વચ્ચેના સંબંધો બગડયા હતા, પણ એક સગીર બાળકના અપહરણનો કેસ બન્ને પોલીસે હવે સાથે મળીને ઉકેલ્યો છે. 
બિહારના ચંપારણ જિલ્લામાં ગન્હા પોલીસ સ્ટેશનની હદમાંથી 14 અૉક્ટોબરે સાત વર્ષના એક સગીર બાળકનું અપહરણ થયું હતું અને 19 અૉક્ટોબરે બાળકના પરિવારને રૂા. 20 લાખની બાનની રકમ માટે ફોન આવ્યો હતો. કિડનેપરોએ એવી પણ ધમકી આપી હતી કે આ રકમ નહીં મળે તો બાળકની હત્યા કરવામાં આવશે. 
બિહાર પોલીસને તપાસ દરમિયાન ખબર પડી હતી કે બાનની રકમ માટેનો ફોન કાંદિવલીથી કરાયો હતો. એટલે બિહાર પોલીસે મુંબઈ પોલીસનો સંપર્ક કર્યો હતો અને તેમની મદદથી આરોપી રિયાસુદ્દીન અન્સારીની કાંદિવલીમાંથી ધરપકડ કરવામાં આવી હતી. 
રિયાસુદ્દીનનો ફોન તપાસવામાં આવતા ખબર પડી હતી કે તે અન્ય ત્રણ કિડનેપરો સાથે સતત સંપર્કમાં હતો. પોલીસે આ ત્રણેની બિહારમાંથી ધરપકડ કરી હતી. આ ત્રણમાંના એક આરોપીએ બાળકને ઉત્તર પ્રદેશમાં કુશીનગરના જંગલમાં રાખ્યો હતો. બિહાર પોલીસે ત્યાંથી બાળકને સલામત રીતે ઉગાર્યો હતો. 
એક આરોપી દેવામાં હોવાથી તેણે આ બાળકના અપહરણની યોજના બનાવી હતી. ચારેય આરોપી બાળકના પરિવારના પરિચિત છે. મુંબઈમાંથી પકડવામાં આવેલા આરોપીને બુધવારે બિહાર પોલીસના હવાલે કરાયો હતો.Published on: Fri, 23 Oct 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer