કેન્દ્ર સરકારે ભાવોને કાબૂમાં રાખવા કાંદાની આયાતના નિયમો શિથિલ કર્યાં

બિહાર વિધાનસભાની ચૂંટણી ઉપર નજર
નવી દિલ્હી, તા. 22 : મહારાષ્ટ્ર, કર્ણાટક અને મધ્યપ્રદેશમાં પાછોતરા વરસાદને કારણે કાંદાના પાકને નુકસાન થતાં તેના ભાવમાં વધારાનું વલણ જોવા મળી રહ્યું છે. તેના કારણે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં દેખાવ ઉપર માઠી અસર પડી શકે છે. એવા ભયથી ભાજપના વર્ચસ હેઠળની કેન્દ્રની એનડીએ સરકારે કાંદાની આયાત ઉપરના નિયંત્રણો આવતી 15મી ડિસેમ્બર સુધી હળવા કર્યા છે.
ઉપરાંત સંબંધિત દેશોમાંની ભારતીય હાઈકમિશનરની કચેરીઓને ભારતમાં આયાતને સરળ બનાવવા માટે વેપારીઓનો સંપર્ક કરવાનું પણ કહેવામાં આવ્યું છે.
ચૂંટણીના દેખાવ સાથે કાંદાને સીધો સંબંધ છે. વર્ષ 1998માં દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના નબળા દેખાવ માટે કાંદામાં ભાવ વધારો એક મહત્ત્વનું કારણ માનવામાં આવતું હતું. તે સમયે કાંદાના ભાવ કિલોદીઠ 60 રૂપિયા ઉપર પહોંચ્યા હતા.
કેન્દ્રના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગત દસ દિવસમાં કાંદાના ભાવમાં કિલો દીઠ 11.56 રૂપિયા વધારો થયો છે. અૉલ ઇન્ડિયા રિટેલ પ્રાઇસ અનુસાર કાંદાનો ભાવ 51.95 રૂપિયા છે. આ ભાવ ગત વર્ષની સરખામણીમાં 12.13 ટકા વધારે છે. ગત વર્ષે આ સમયે તેનો ભાવ 46.33 રૂપિયા (કિલોદીઠ) હતો.
ગત 14મી સપ્ટેમ્બરે કેન્દ્ર સરકારે કાંદાની નિકાસ ઉપર બંધી લાદી હતી. તેનું કારણ દેશવાસીઓને વાજબી દરે કાંદો મળે એ હતું. હવે કેન્દ્ર સરકારે કાંદાની આયાત અંગેના નિયમો શિથિલ કરીને દેશમાં કાંદાના ભાવ અંકુશમાં રહે એ માટે વધુ એક પગલું ભર્યું છે.Published on: Fri, 23 Oct 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer