ભારતમાં જન્મેલા અમેરિકાના ડિસ્ટ્રિક્ટ જજ અમિત મહેતા ગૂગલ સામેના કેસની સુનાવણી કરશે

ભારતમાં જન્મેલા અમેરિકાના ડિસ્ટ્રિક્ટ જજ અમિત મહેતા ગૂગલ સામેના કેસની સુનાવણી કરશે
ન્યૂ યોર્ક, તા.22 : ઇન્ટરનેટ સર્ચ જાયન્ટ ગૂગલ સામેના અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટના મહત્ત્વના ખટલાની સુનાવણી ભારતમાં જન્મેલા કોલંબિયાના જિલ્લા ન્યાયાધીશ અમિત મહેતા કરશે. અમેરિકાના તત્કાલિન પ્રમુખ બરાક ઓબામાએ બાવીસ ડિસેમ્બર 2014ના મહેતાની કોલંબિયાના જિલ્લા ન્યાયાધીશ પદે નિમણૂક કરી હતી.
અમિત મહેતાનો જન્મ ગુજરાતના પાટણમાં થયો છે અને 1993માં જ્યોર્જ ટાઉન યુનિવર્સિટીમાં પોલિટિકલ સાયન્સમાં બીએની ડિગ્રી બાદ 1997માં યુનિવર્સિટી અૉફ વર્જિનિયા સ્કૂલ અૉફ લૉમાં ભણીને જજની ડિગ્રી મેળવી હતી. લૉમાં ડિગ્રીઓ મેળવ્યા બાદ મહેતા અમેરિકાની કેટલીક જાણીતી લૉ કંપનીઓમાં ક્લર્કથી લઇને કાનૂની સલાહકાર પદે રહ્યા હતા. 
ગૂગલે ગેરકાયદે એકાધિકાર ઊભો કર્યો છે એની સામે પગલા લેવાની માગણી સાથે મંગળવારે ડિપાર્ટમેન્ટ અૉફ જસ્ટિસ અને 11 રાજ્યના ઍટર્ની જનરલોએ કોલંબિયા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કેસ ફાઇલ કર્યો હતો. આ કેસની સુનાવણી ભારતમાં જન્મેલા ડિસ્ટ્રિક્ટ જજ અમિત મહેતા કરશે.Published on: Fri, 23 Oct 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer