હું પાછો આવીશ''ને બદલે `અમે પાછા આવશું'' એમ કેમ ન કહ્યું? : ખડસે

હું પાછો આવીશ''ને બદલે `અમે પાછા આવશું'' એમ કેમ ન કહ્યું? : ખડસે
`ફડણવીસની ઉદ્ધતાઈને કારણે ભાજપની સત્તા ગઈ'
ખડસેનો આજે રાષ્ટ્રવાદી કૉંગ્રેસમાં પ્રવેશ
મુંબઈ, તા. 22 (પીટીઆઈ) : ભાજપના આગેવાન દેવેન્દ્ર ફડણવીસની ઉદ્ધતાઈને કારણે પક્ષને મહારાષ્ટ્રની સત્તા ગુમાવવી પડી હતી એમ ભાજપ છોડીને આવતી કાલે રાષ્ટ્રવાદીમાં પ્રવેશ કરનારા વરિષ્ઠ નેતા એકનાથ ખડસેએ જણાવ્યું છે.
ખડસેએ આજે પત્રકારોને જણાવ્યું હતું કે ફડણવીસે `મી પુન્હા યેઇન' (અર્થાત્ હું પાછો સત્તા ઉપર આવીશ)ને બદલે અમે પાછા આવશું એમ કહ્યું હોત તો યોગ્ય લેખાત. ફડણવીસ એટલા શક્તિશાળી નેતા છે કે વર્ષ 2019ની વિધાનસભાની ચૂંટણીમાં પોતાના જ પક્ષને સત્તા ઉપરથી ઉખાડીને ફેંકી દીધો હતો. તેમની ઉદ્ધતાઈને કારણે જ ભાજપને મહારાષ્ટ્રમાં સત્તા ગુમાવવી પડી હતી.
મારી વિરુદ્ધ ફરિયાદ હોત તો ફડણવીસ વરિષ્ઠ નેતાઓ સાથે તે અંગે વાત કરી શક્યા હોત એવા ફડણવીસના વિધાન અંગે ખડસેએ જણાવ્યું હતું કે મેં દિલ્હીની મુલાકાત લીધી હતી અને તે બાબતે વરિષ્ઠ નેતાઓને મળ્યો હતો. મને સંબંધિત બાબતેની ફડણવીસની સાથે ચર્ચા કરવાનું કહેવામાં આવ્યું હતું. તેથી હું નિરાશ થયો હતો. મેં પ્રધાનપદેથી રાજીનામું આપ્યું પછી ફડણવીસ સમય કાઢીને ક્યારેય દિલ્હી ગયા નહોતા અને પ્રશ્ન હલ કર્યો નહોતો એમ ખડસેએ ઉમેર્યું હતું.
ફડણવીસની સરકારમાં સહુથી વરિષ્ઠ પ્રધાન એકનાથ ખડસે હતા. તેઓએ જૂન 2016માં મહેસૂલ પ્રધાન તરીકે રાજીનામું આપ્યું હતું. બાદમાં તેઓને ભાજપમાં હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા હતા.
શિવસેનાના નેતા સંજય રાઉતે જણાવ્યું છે કે 40 વર્ષ પછી ભાજપ છોડનારા ખડસેને પક્ષમાં પ્રવેશ આપતી વેળાએ મહારાષ્ટ્રના સહુથી વરિષ્ઠ નેતા શરદ પવારે કોઈ યોજના કે કામગીરી વિચારી રાખી હશે. રાષ્ટ્રવાદી કૉંગ્રેસના વડા શરદ પવારની ઉપસ્થિતિમાં આવતી કાલે ખડસે રાષ્ટ્રવાદીમાં પ્રવેશ કરવાના છે.Published on: Fri, 23 Oct 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer