દરેક બિહારીને નિ:શુલ્ક કોરોના વૅક્સિનના ભાજપના વચનની વિપક્ષોએ કરી ટીકા

દરેક બિહારીને નિ:શુલ્ક કોરોના વૅક્સિનના ભાજપના વચનની વિપક્ષોએ કરી ટીકા
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. રર :   બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે ગુરૂવારે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. જેમાં આવતા પ વર્ષમાં આત્મનિર્ભર બિહાર રોડમેપ ર0ર0-રપ જાહેર કરતાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમને કોરોના વાયરસ વેકસીન ફ્રી આપવાનું એલાન કરતાં જ રાજકીય હંગામો મચી ગયો છે. 
કોંગ્રેસ અને આરજેડીએ આવી જાહેરાત કરવા બદલ ભાજપ પર તડાપીટ બોલાવી છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કટાક્ષ કર્યો કે ભારત સરકારે કોવિડ 19 વેક્સિન વિતરણની જાહેરાત કરી દીધી છે. વેક્સિન અને જૂઠા વચનો તમોને કયારે મળશે તે જાણવા માટે કૃપ્યા પોતાના રાજ્યની ચૂંટણી તારીખો જોઈ લો.
આ પહેલા ચૂંટણી ઢંઢેરામાં સીતારમને કહયું કે બિહાર ચૂંટણીના ઢંઢેરામાં આ અમારો સૌથી પહેલો વાયદો છે. કોવિડ 19 વેક્સિનનું મોટાપાયે ઉત્પાદન થતાં જ બિહારમાં દરેકનું નિ:શુલ્ક રસીકરણ કરાશે. નાણાંમંત્રીએ પટણા ખાતે ભાજપનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. ભાજપના ચૂંટણી ઢંઢેરામાં આત્મનિર્ભર બિહાર માટે પ સૂત્ર, એક લક્ષ્ય અને 11 સંકલ્પ પર ભાર મૂકવામાં આવ્યો છે. 
નાણામંત્રીએ કહયું કે બિહારના લોકો રાજનીતિ અને કહેલી વાતોને બરાબર સમજે છે. દેશમાં એક માત્ર રાજકીય પક્ષ છે જે કહે છે તે કરે છે. બિહારની જનતાને નરેન્દ્ર મોદી સરકાર પર પુરો ભરોસો છે. કોરોના લોકડાઉનને કારણે ગરીબોને નિ:શુલ્ક અનાજ આપવા વડાપ્રધાને કરેલા એલાન મુજબ બિહારમાં ગરીબોને નિ:શુલ્ક અનાજ પહોંચાડવામાં આવી રહયું છે. 
બીજીતરફ વિપક્ષોએ કોરોના વેક્સિન અંગે ભાજપના એલાન સામે મોરચો માંડતા બિહાર ભાજપા બેકફૂટ પર આવી ગઈ છે. બિહાર ભાજપ ઈન્ચાર્જ ભૂપેન્દ્ર યાદવે કહયું કે આ બિહારનો ચૂંટણીનો ઢંઢેરો છે. કેન્દ્ર સરકાર ઓછામાં ઓછા દરે વેક્સિન ઉપલબ્ધ કરાવશે. અમે વચન આપ્યુ છે કે અમારી બિહાર સરકાર તેને મફત ઉપલબ્ધ કરાવશે. જાહેર સ્વાસ્થ્ય બાબતે રાજકીય પક્ષોએ સંવેદનશીલ બનવું જોઈએ. 
કોંગ્રેસના પ્રવકતા સુરજેવાલાએ કહયું કે પ્રવાસી મજદૂરોના સંકટ વખતે બિહારના મુખ્યમંત્રી અને ઉપ મુખ્યમંત્રીએ કહયું હતું કે તેઓ રાજયમાં બિહારીઓને આવવા નહીં દે. વડાપ્રધાન કહે છે કે એક વર્ષ પહેલા વેક્સિન નહીં આવે. હજાર બિહારીઓનું કોરોના વેક્સિનથી મૃત્યુ થઈ ચૂકયું છે. શું કેન્દ્રીય મંત્રીને તેની ચિંતા છે ? તેઓ બિહારની જનતાનું અપમાન કરી રહ્યા છે. શું સરકાર ભારતીયોના જીવન બચાવવાના બદલામાં પૈસા વસૂલશે ? અન્ય રાજ્યોના લોકોને વેક્સિન ખરીદવા પૈસા ચૂકવવા પડશે ?
આરજેડીએ ટ્વિટથી ઝાટકણી કાઢી કે કોરોના વેક્સિન દેશની છે. ભાજપની નહીં. વેક્સિનનો રાજકીય ઉપયોગ બતાવે છે કે તેમની પાસે બીમારી અને મોતનો ભય બતાવવા સિવાય કોઈ વિકલ્પ નથી. બિહારી સ્વાભિમાની છે, માત્ર થોડા રૂપિયામાં પોતાના બાળકોનું ભવિષ્ય નહીં વેંચે.Published on: Fri, 23 Oct 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer