ટેન્ક વિરોધી ગાઇડેડ મિસાઇલ `નાગ''નું સફળ પરીક્ષણ નૌકાદળના બેડામાં સ્વદેશી યુદ્ધજહાજ કવરત્તી સામેલ

ટેન્ક વિરોધી ગાઇડેડ મિસાઇલ `નાગ''નું સફળ પરીક્ષણ  નૌકાદળના બેડામાં સ્વદેશી યુદ્ધજહાજ કવરત્તી સામેલ
નવી દિલ્હી, તા. 22 : ભારતની સૈન્ય ક્ષમતામાં વધારો કરતા ઘટનાક્રમમાં ગુરુવારે રાષ્ટ્રએ `નાગ' એન્ટિ ટેન્ક ગાઇડેડ મિસાઇલના અંતિમ ચરણનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું.
`નાગ' મિસાઇલના ડંખથી દુશ્મન ખતમ થઇ જશે. પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જ પરથી આજે સવારે 6.45 વાગ્યે કરાયેલું પરીક્ષણ સફળ રહ્યું હતું.
સંરક્ષણ સંશોધન વિકાસ સંસ્થાન (ડીઆરડીઓ) દ્વારા વિકસિત આ ઘાતક મિસાઇલ પરમાણુ શત્રો ઊંચકી જવાની ક્ષમતા ધરાવે છે.
સીમા પર ચીન સાથે જારી તીવ્ર તાણ વચ્ચે ડીઆરડીઓ દ્વારા `નાગ'ના રૂપમાં આ બારમી મિસાઇલનું સફળ પરીક્ષણ આજે કરાયું હતું.
ટૂંક સમયમાં જ મિસાઇલના મોરચે પણ ભારતને આત્મનિર્ભર બનાવાશે તેવો નિર્ધાર તાજેતરમાં ડીઆરડીઓના પ્રમુખ જી. સતીશ રેડ્ડીએ વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે સીમા પર તાણની સ્થિતિ વચ્ચે લગાતાર પરીક્ષણો માટે ભારતે પસંદ કરેલો આ સમય ભારે મહત્ત્વનો છે અને ભારતની વધતી તાકાતથી ચીન પરેશાન છે.
સમુદ્રની લહેરો ઉપર રાજ કરવા માટે સમુદ્રની ઉંડાઈનો ખ્યાલ જરુરી છે અને જો દુશ્મનોને કાબુમાં રાખવા હોય તો સમુદ્રની જેમ શક્તિઓનો અંદાજ પણ જરૂરી છે. આ માટે ભારતનું સ્વદેશી યુદ્ધ જહાજ આઈએનએસ કવરત્તી જેને સમુદ્રનું બાહુબલી પણ કહે છે તે ભારતીય નૌકાદળમાં સામેલ થઈ ગયું છે. ભારતીય સેના પ્રમુખ જનરલ મનોજ મુકુન્દ નરવણેએ આઈએનએસ કવરત્તીને ભારતીય નૌકાદળને સુપુર્દ કરતા કહ્યું હતું કે, સબમરીન વિરોધી પ્રણાલીથી સજ્જ આઈએનએસ કવરત્તી ખાસ છે.
આ એક સ્ટીલ્થ જહાજ છે. એટલે કે દુશ્મનોના રડારની પકડમાં આવતું નથી. કવરત્તીની ડિઝાઈન ડાયરેક્ટોરેટ ઓફ નેવલ ડિઝાઈને તૈયાર કરી છે અને તેને કોલકાતાના ગાર્ડન શિપબિલ્ડર્સ એન્ડ એન્જીનિયર્સે તૈયાર કરી છે.Published on: Fri, 23 Oct 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer