આજથી બિહારમાં ચૂંટણી પ્રચારનું વાવાઝોડું

આજથી બિહારમાં ચૂંટણી પ્રચારનું વાવાઝોડું
ભાજપ-જેડીયુ માટે વડા પ્રધાન મેદાનમાં; કૉંગ્રેસ આરજેડી માટે રાહુલ ગાંધીની રૅલીઓ
અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. રર :  બિહાર વિધાનસભાના ચૂંટણીપ્રચારમાં આજથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી મેદાને પડવાના છે. તેથી રાજકીય પારો ઉપર જવાનો છે.
વડા પ્રધાન મોદી આવતી કાલે ભાજપ અને જનતા દળ યુનાઈટેડની યુતિ માટે દેહરી, ગયા અને ભાગલપુરમાં મળીને ત્રણ સભાઓ સંબોધવાના છે. જ્યાં 28 અૉક્ટોબરે મતદાન થવાનું છે. જ્યારે નેતા રાહુલ ગાંધી કૉંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળના મોરચા માટે શુક્રવારે નવાડા અને ભાગલપુરમાં બે સભાઓ કરશે.
ગયામાં વડા પ્રધાન સાથે મંચ પર જનતા દળ યુનાઈટેડના લોકસભામાં નેતા રાજીવ રંજન સિંહ લલ્લન હશે, જ્યારે સાથી પક્ષ હિંદુસ્તાની અવામ મોરચાના અધ્યક્ષ અને પૂર્વ મુખ્ય પ્રધાન જિતનરામ માંજી પણ હશે.
કૉંગ્રેસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાહુલ ગાંધીની નવાડાની સભાના મંચ પર ગઠબંધનના મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર અને રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવ હશે.
આમ આજથી બિહારમાં જનતા દળ યુનાઈટેડ - ભાજપ અને રાષ્ટ્રીય જનતા દળ - કૉંગ્રેસ વચ્ચે ધૂંઆધાર ચૂંટણીપ્રચારની શરૂઆત થશે.Published on: Fri, 23 Oct 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer