અમારા સંવાદદાતા તરફથી
નવી દિલ્હી, તા. 17 : દિલ્હીના મુખ્ય પ્રધાન અરાવિંદ કેજરીવાલે મંગળવારે કહ્યું હતું કે દિલ્હીની બજારો કોરોનાના ફેલાવાનું કેન્દ્ર બની ગઈ હોવાથી આ માર્કેટો થોડા દિવસ બંધ રાખવા મારી સરકારે કેન્દ્ર સરકાર પાસેથી મંજૂરી માગી છે. આને લીધે દિલ્હીમાં કોરોનાગ્રસ્તોના કેસોમાં જે વધારો થયો છે એને રોકી શકાશે.
આ ઉપરાંત લગ્ન સમારંભોમાં મહેમાનોની હાજરીને 200માંથી ફરીથી 50 સુધી સીમિત રાખવાનું પણ દિલ્હીની સરકાર વિચારી રહી છે.
રાજધાની દિલ્હીને ફરીથી લૉકડાઉન હેઠળ મુકવામાં નહીં આવે એવી દિલ્હી સરકારની જાહેરાત બાદ કેજરીવાલે ઉક્ત ઉપાયો સુચવ્યા હતા. તેમણે કહ્યું હતું કે દિલ્હીમાં કોરોનાના ત્રીજા રાઉન્ડ પિક પર ગયા બાદ હવે કેસની સંખ્યા ઘટી રહી છે.
તેમણે અૉનલાઈન બ્રાફિંગમાં કહ્યું હતું કે બજારોમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો પાળવામાં આવતા નથી. જો આ માર્કેટો બંધ નહીં થાય તો એ કોરોનાની હોટસ્પોટ બની જશે. જો બજારોમાં ગિરદી એકદમ ઓછી થશે તો એ બંધ કરવાની ફરજ નહીં પડે. મેં મારી સરકારનો પ્રસ્તાવ દિલ્હીના લેફટેનન્ટ ગર્વનરને મોકલ્યો છે અને તેઓ મંજૂરી આપે એવી અપેક્ષા છે.
આવા કપરા સમયમાં મદદ કરવા બદલ કેજરીવાલે કેન્દ્ર સરકારનો પણ આભાર માન્યો હતો. ખાસ કરીને 750 આઈસીયુ બેડ્સ આપવા બદલ હું કેન્દ્રનો વિશેષ આભાર માનું છું એમ તેમણે કહ્યું હતું.
તેમણે કહ્યું હતું કે દિવાળીમાં અનેક લોકો માસ્ક પહેરતા નહોતા અને શાપિંગ વખતે સોશિયલ ડિસ્ટન્સિંગ પણ પાળતા નહોતા. લોકોને એમ જ છે કે કોરોના તેમને નહીં થાય. હું હાથ જોડીને તેમને કહેવા માગુ છું કે કોરોના કોઈને પણ થઈ શકે છે અને એ જીવલેણ પણ બની શકે છે. કોરોનાને કાબુમાં લેવા રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને સરકારી એજન્સી બનતા પ્રયત્નો કરી રહી છે અને પ્રયત્નો તમારા અને તમારા કુટુંબ માટે કરાઈ રહ્યા છે.
દિલ્હીમાં કોરોનાગ્રસ્તોની સંખ્યામાં ઉછાળો આવવાની શરૂઆત અૉક્ટોબરના અંતથી થઈ હતી. એ પછી દર અઠવાડિયે અધધધ કેસો નોંધાઈ રહ્યા છે. ત્રણ નવેમ્બરે 6725 કેસ રજીસ્ટર થયા હતા અને એના ત્રણ દિવસ બાદ નવા કોરોનાગ્રસ્તોની સંખ્યા 7000નો આંકડો પાર કરી ગઈ હતી. 11 નવેમ્બરે અત્યાર સુધી સૌથી વધુ 8593 નવા કેસ આવ્યા હતા. જોકે છેલ્લા બે દિવસમાં 3500 કેસો નોંધાયા છે.
Published on: Wed, 18 Nov 2020