એશિયન અમેરિકન સ્ટુડન્ટ્ઝને પ્રવેશ આપવામાં હાર્વર્ડ કોઈ ભેદભાવ કરતી નથી

બોસ્ટનની કોર્ટનો ચુકાદો
અમારા પ્રતિનિધિ તરફથી
બોસ્ટન, તા. 17 : હાર્વર્ડ યુનિવર્સિટી એશિયન અમેરિકનો (આમાં ભારતીયો પણ આવી ગયા) સાથે કોઈ ભેદભાવ કરતી નથી એવો ચુકાદો બોસ્ટનની ફેડરલ અપીલ કોર્ટે 12 નવેમ્બરે આપ્યો હતો. 
બોસ્ટનની કોર્ટમાં એન્ટિ-અફર્મેટિવ ગ્રુપ અને અન્યોએ એક અરજી કરી આઈવી લીગ યુનિવર્સિટી પર એવો આરોપ મુક્યો હતો કે એ એશિયન એમેરિકનો પાસેથી વર્ણભેદ દંડ વસૂલે છે. બે જજની અપીલ કોર્ટે નીચલી કોર્ટે આપેલી ચુકાદાને બહાલી આપી હતી અને કહ્યું હતું કે વિદ્યાર્થીઓની પસંદગીમાં હાર્વર્ડ કોઈ ભેદભાવ રાખતી નથી. 
જેમણે બોસ્ટનની કોર્ટમાં અપીલ કરી હતી એમાં ચાર ભારતીય સંગઠનનો પણ સમાવેશ હતો. આ ચુકાદાને લીધે એક અરજદાર સ્ટુડન્ટ્સ  ફોર ફેર એડમિશન નામની સામાજિક સંસ્થાને મોટો ફટકો પડ્યો છે. આ સંસ્થાનો એક ઉદ્દેશ પ્રવેશમાં વર્ણભેદને નાબુદ કરવાનો છે. હવે આ મુદ્દો અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં જાય એવી શક્યતા છે. 
2014માં આ ખટલો દાખલ કરવામાં આવ્યો હતો અને દેશમાં એ ચર્ચાનો વિષય પણ બન્યો હતો. સુપ્રીમ કોર્ટે અલગ અલગ કેસોમાં એવું પણ કહ્યું છે કે કૉલેજના કેમ્પસમાં વૈવિધ્યતા સચવાઈ રહે એ માટે કૉલેજો એકદમ સિમિત પ્રમાણમાં વર્ણભેદ પ્રમાણે એડમિશન આપી શકે છે. જોકે આ વર્ણ પ્રમાણે એડમિશન આપવા સામે કોર્ટમાં ખટલા શરૂ થયા હતા. 
ટ્રમ્પ પ્રશાસને આ રીતે પ્રવેશ આપવાની પ્રથાનો વિરોધ કર્યો હતો અને હાર્વર્ડ સામે જે ખટલો થયો હતો એને ટેકો આપ્યો હતો. ઓક્ટોબરમાં યેલ યુનિવર્સિટી સામે જસ્ટિસ ડિપાર્ટમેન્ટે ખટલો દાખલ કર્યો હતો. યેલ યુનિવર્સિટી પણ એશિયન અમેરિકનો સાથે પ્રવેશમાં ભેદભાવ રાખતી હતી. બોસ્ટનની અપીલ કોર્ટે તેના ચુકાદામાં કહ્યું હતું કે હાર્વર્ડની એડમિશન પ્રોસેસ સુપ્રીમ કોર્ટે અગાઉ આપેલા ચુકાદા પ્રમાણે છે.
Published on: Wed, 18 Nov 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer