એસબીઆઈ : સપ્ટે. 20 ત્રિમાસિકમાં જીડીપી -10.7 ટકા થશે

મુંબઈ, તા. 20 (એજન્સીસ) : સ્ટેટ બૅન્ક ઓફ ઇન્ડિયાએ વર્તમાન નાણાકીય વર્ષ 2020-21ના બીજા ત્રિમાસિક જુલાઈ -સપ્ટેમ્બર માટે દેશના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટના વિકાસનો અંદાજ  અગાઉના (-) 12.5  ટકાથી સુધારીને (-) 10.7 ટકા કર્યો છે. 

અગાઉ ગોલ્ડમેન સેસએ દેશના જીડીપીના અંદાજને - 14.8 ટકાથી સુધારીને  - 10.3 ટકા કર્યો હતો. તે સાથે નાણાવર્ષ 2021-22માં જીડીપીનો વૃદ્ધિદર 13 ટકા રહેવાની આગાહી પણ કરી હતી. તો રિઝર્વ બૅન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ ડિસેમ્બર ત્રિમાસિકમાં જીડીપી સકારાત્મક રહેવાની આગાહી કરી હતી.

અગ્રણી રેટિંગ એજન્સી મૂડી'સએ પણ નાણાવર્ષ 2020-21 માટે જીડીપીનો - 11.5 ટકાનો અંદાજ સુધારીને -10.6 ટકા કર્યો છે. વર્ષ 2021-22 માટે જીડીપીનો અંદાજ 10.6 ટકાથી સુધારીને 10.8 ટકા કર્યો છે.

હકારાત્મક વહેણોને કારણે જીડીપીનો અંદાજ અમે સુધાર્યો છે. અર્થતંત્રનું નુકસાન ઘટી રહ્યું છે પણ હજુ પણ સાવધ રહેવાની જરૂર છે એમ એસબીઆઈ જૂથના મુખ્ય આર્થિક સલાહકાર સૌમ્ય કાંતિ ઘોષે કહ્યું હતું. 

બીજા ત્રિમાસિકના જીડીપી વિકાસના સરકારી આંકડા 27 નવેમ્બરે જાહેર થવાની શક્યતા છે. 

જે આંકડાઓ ઝડપથી આવી રહ્યા છે તેના આધારે અમે બીજા ત્રિમાસિકના જીડીપી વિકાસના અંદાજને સુધારીને (-)10.7 ટકા કર્યો છે જે અગાઉ (-) 12.5 ટકા હતો. આ માટે 40થી વધારે આર્થિક આંકડાઓને  ધ્યાનમાં લેવામાં આવ્યા છે એમ ઘોષે કહ્યું હતું. 

જો કે જીડીપીમાં વધુ સુધારો થવાની શક્યતા છે. જો જુલાઈ અને ઓગસ્ટમાં અર્થતંત્રની કામગીરી થોડી વધુ સારી રહી હોય તો વિકાસનો દર વધુ સારો રહી શકે એમ પણ ઘોષે કહ્યું હતું. 

એસબીઆઈ બિઝનેસ એક્ટિવિટી ઇન્ડેક્સમાં સતત સુધારો દેખાઈ રહ્યો છે અને ત્રીજા  ત્રિમાસિકના આંકડા આનાથી પણ વધુ સારા આવશે પણ તે પછી કેટલી રિકવરી થશે એ તો બીજા ત્રિમાસિકના આંકડા આવે એ પછી જ ખબર પડશે એમ તેમણે કહ્યું હતું. 

કોર્પોરેટ ક્ષેત્રની કામગીરી સારી રહી છે એમ કહીને રિપોર્ટે ઉમેર્યું હતું કે 3640 કંપનીઓના ગ્રોસ  વેલ્યુ એડેડમાં વાર્ષિક ધોરણે 22.06 ટકા વધારો થયો હતો. નાના અને મધ્યમ એકમોની કામગીરી પણ સારી રહી હતી. 

અૉક્ટોબરમાં જીએસટીમાં 10 ટકા વધારો થયો હતો અને તેમાં પ્રગતિ ચાલુ રહેવાની શક્યતા છે પણ ખરું ચિત્ર તો જીડીપીના આંકડા આવે એ પછી જ ખબર પડશે એમ ઘોષે એસબીઆઈ ઈકોરેપના એક લેખમાં કહ્યું હતું. 

ભારતમાં કોવિડ-19ના કેસ સપ્ટેમ્બરમાં ટોચે પહોંચ્યા હતા. અનલોક -5 અને તહેવારોની મોસમને લીધે શક્ય છે કે મહામારીની બીજી લહેરની અસર વધશે. કોરોનાની રસી કેટલી જલદીથી ઉપલબ્ધ થાય છે એ મહત્વનું છે.Published on: Sat, 21 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer