મોંઘવારી ભથ્થું કાપવું એ ડૂબતી અર્થવ્યવસ્થાનો સંકેત : કોંગ્રેસ

339 સાર્વજનિક ઉદ્યમોના 14.5 લાખ કર્મચારીને સાંકળતા નિર્ણય અંગે મોદી સરકાર પર પ્રહારો
નવી દિલ્હી, તા. 20 : કેન્દ્રની નીતિઓને નિશાન બનાવી આકરા હુમલા કરી રહેલી કોંગ્રેસે હવે 339 જેટલા જાહેર સાહસોના 14.5 લાખ કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું અટકાવવાના નિર્ણય અંગે પ્રહાર કરતાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારનું આ પગલું અર્થવ્યવસ્થા ડૂબી રહી હોવાનો વધુ એક   સંકેત છે.
કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે જણાવ્યું હતું કે સરકારે ભારતીય અર્થવ્યવસ્થામાં ગરબડી કરી છે અને અનેક ક્ષેત્રોને મૂળથી સમાપ્ત કરી નાખ્યાં છે. આ બધું સરકારના આર્થિક પ્રબંધકો અને સલાહકારોની આર્થિક મામલાઓ પરની પાયાની સમજ સામે સવાલ કરી રહ્યા છે. મોંઘવારી ભથ્થાંમાં કાપ મૂકવો ડૂબતી અર્થવ્યવસ્થાનો વધુ એક સંકેત છે.
શ્રીનેતે કહ્યું કે કોરોના મહામારી દરમ્યાન અને તેનાથી પહેલાં પણ આર્થિક કુપ્રબંધનને કારણે અર્થવ્યવસ્થાને ઠપ કર્યા બાદ મોદી સરકાર વધુ આર્થિક વિનાશ વેરવા તરફ છે. આ વખતે સરકારે ફરી લોકોની આવક પર પ્રહાર કર્યો છે. 19 નવેમ્બરે સરકારે કેન્દ્રીય સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યમો (સીપીએસઈ)ના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાંમાં થનારા વધારા પર 30 જૂન 2021 સુધી રોક લગાવવામાં આવી છે.
કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે કેન્દ્ર સરકાર દ્વારા લગાવવામાં આવેલી આ રોકથી 339 સીપીએસઈના 14.5 લાખથી વધુ કર્મચારીઓને અસર થશે. આ જ મોદી સરકારે એપ્રિલમાં 113 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો જેમાં આપણી સેના પણ સામેલ છે તેમનાં મોંઘવારી ભથ્થાં, મોંઘવારી રાહત સહિત રોક લગાવી હતી.
Published on: Sat, 21 Nov 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer