ગુજરાતમાં તમામ તબીબોને ફરજ પર હાજર થવા આદેશ

અમદાવાદ, તા.20 : દિવાળીના તહેવારોમાં થયેલા સંક્રમણના કારણે ગુજરાતમાં પણ ખાસ કરીને અમદાવાદ શહેરમાં કોરોના કેસોનો રાફડો ફાટી નીકળ્યો છે ત્યારે રાજ્યના 33 જિલ્લાના 925 બોન્ડેડ ડોકટરોને તાત્કાલિક ફરજ ઉપર હાજર થવા તાકીદ કરવામાં આવી છે જેના ભાગરૂપે બે જ દિવસમાં મ્યુનિસિપલ કમિશ્નર સમક્ષ હાજર થવા જણાવાયું છે. જો એમબીબીએસ ડોકટર્સ આ આદેશનું પાલન નહીં કરે તો તેમની સામે સંબંધિત કલેકટર દ્વારા એપેડેમિક એક્ટના જાહેરનામાની જોગવાઇ મુજબ કાર્યવાહી કરવા આરોગ્ય વિભાગ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. 
રાજ્યના આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણના કમિશ્નર જયપ્રકાશ શિવહરેએ આજે હુકમ જારી કરીને જણાવ્યું છે કે, રાજ્યમાં હાલ કોવિડ 19ની પરિસ્થિત નાથવા માટે ડોકટર્સ- તજજ્ઞોની સોવાઓની મોટાપાયે જરૂરિયાત ઉભી થઇ છે. સરકારી મેડિકલ કોલેજ ખાતે પીજીમાં અભ્યાસ કરનારા તમામ ડોકટર્સ, તજજ્ઞો, પીજી અભ્યાસ પૂર્ણ કરી સરકારી સેવા આપવા બંધાયેલા હોય છે. 
તે મુજબ સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે કરેલા ઠરાવ અન્વયે તમામ સરકારી મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ ખાતે પીજી બોન્ડેડ ડોકટર્સ હજુ સુધી ફરજ ઉપર હાજર થયા નથી. સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગરના પત્રથી સરકારે રાજ્યમાં સરકારી મેડિકલ કોલેજમાંથી હાલના વર્ષે ગ્રેજ્યુએટની પરીક્ષામાં ઉર્તિણ થનારા બોન્ડેડ ડોકટરોને બોન્ડેડ સર્વિસનો લાભ આપી અને તેનો હોસ્પિટલમાં તેઓની સેવાઓને ઉપયોગ કરવામાં આવ્યો છે 
હાલમાં કોરોનાનું સંક્રમણ મોટાપાયે હોવાથી વધારે ડોકટર્સ અને તજજ્ઞોની તાત્કાલિક જરૂરિયાત ઉભી થઇ છે. હાલમાં સરકારી દવાખાનાઓમાં ઘણી જગ્યાઓ ખાલી હોવાથી દર્દીઓને સારવાર આપવામાં મુશ્કેલી થાય છે. આથી સામાન્ય પ્રજાને કે દર્દીઓને કોઇ હાલાકી ભોગવવી ના પડે તે માટે જે બોન્ડેડ ડોકટર્સ , તજજ્ઞો હાજર થયા નથી તેઓની સેવાઓ એપેડેમિક એક્ટ 1997ની જોગવાઇ હેઠળ લેવી જરૂરી જણાય છે  તમામ એમબીબીએસ બોન્ડેડ ડોકટર્સને તાત્કાલિક ફરજ ઉપર હાજર થવા જણાવવામાં આવે છે.
ક્યાં શહેરનાં ડોકટરો ફરજ પર હાજર થયા નથી ?
જિલ્લા વાર જે બોન્ડેડ ડોકટર્સ હાજર થયા નથી તેમાં સૌથી વધુ  દાહોદમાં 253, છોટા ઉદેપુરમાં 168, નર્મદામાં 102, અમદાવાદમાં 5, વડોદરામાં 8, સુરતમાં 19, રાજકોટમાં 10, કચ્છના 49, અમરેલીમાં 14, જૂનાગઢમાં 3, બોટાદમાં 7, પંચમાહાલમાં 31, ભરૂચમાં 22, બનાસકાંઠામાં 33, સાબરકાંઠામાં 189 સહિત 925 બોન્ડેડ ડોકટર્સોને બે દિવસમાં મ્યુનિસિપિલ કમિશ્નર સમક્ષ હાજર થવા ફરમાન કરવામાં આવ્યું છે.
Published on: Sat, 21 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer