પતિ-પત્નીને આવક, મિલકત અને દેવાની એફિડેવિટ કરવાનો આદેશ

વળતરના કેસમાં સુપ્રીમ કોર્ટનો શકવર્તી ચુકાદો 
શિરીષ મહેતા તરફથી
મુંબઈ, તા. 20 :  દેશની તમામ અદાલતોમાં ચાલી રહેલા અને હવે પછી નોંધનારા છૂટાછેડાના નિભાવ  (મેઇનટેનન્સ) ખર્ચને લગતા કેસને અસર કરે એવા એક શકવર્તી ચુકાદામાં સુપ્રીમ કોર્ટે આવા કેસના બન્ને પક્ષકારો- પતિ અને પત્નીને તેમની મિલકત અને દેવાને લગતી સંપૂર્ણ વિગતોની એફિડેવિટ નોંધાવવાનો આદેશ આપ્યો છે. 
સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો ફેમિલી કોર્ટ, ડિસ્ટ્રીકટ કોર્ટ અને મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાલી રહેલા મેઇનટેનન્સ કેસને લાગુ પડશે. જોકે, આર્થિક રીતે નબળા વર્ગના, ગરીબીની રેખાથી નીચેના વર્ગના લોકો અને રોજ ઉપર કામ કરનારા શ્રમિકોએ આવી એફિડેવિટ નોંધાવવી નહીં પડે.  ન્યાયમૂર્તિઓ ઇન્દુ મલ્હોત્રા અને આર સુભાષ રેડ્ડીએ 4 નવેમ્બરે આપેલા આ ચુકાદા (`જન્મભૂમિ' પાસે તેની નકલ છે)માં નિભાવ ખર્ચને લગતી અરજી અને તેના આપવામાં આવેલા જવાબમાં બન્ને પક્ષકારોને જવાબદારીપૂર્વક વર્તવાનું કહેવામાં આવ્યું છે. અદાલતે બન્ને પક્ષકારોને ચેતવણી આપી છે કે, એફિડેવિટમાં ખોટી અને ગેરમાર્ગે દોરતી વિગતો, મહત્વની માહિતી છુપાવવામાં આવે તો ગુનેગારની સામે ક્રિમિનલ પ્રોસિજર કોડના સેક્શન 340 હેઠળ અદાલતી તિરસ્કારની કાર્યવાહી થઇ શકશે. 
ન્યાયમૂર્તિઓએ તેમના ચુકાદામાં મિલકત અને દેવાની મોડેલ એફિડેવિટ પણ રજૂ કરી છે. આ એફિડેવિટમાં પક્ષકારોએ પોતાની આવકની, આવકના સ્ત્રોતની (નોકરી, વ્યવસાય,ધંધો વગેરે), સ્થાયી અને જંગમ મિલકતની, દેવા અને નાણાકીય જવાબદારીની, સંતાનોની, પોતાની અને પરિવારમાં તેમના આશ્રિત હોય તેવા સભ્યોની તબીબી વિગતો જણાવવાની રહેશે.  
નેહા નામની એક મહિલાએ 2013ના જાન્યુઆરીમાં તેના પુત્રના જન્મ બાદ પતિ રજનીશનું ઘર છોડ્યું હતું. મુંબઈની ફેમિલી કોર્ટમાં તેણે પતિ પાસેથી વચગાળાના વળતરની માગણી કરી હતી, જે અદાલતે મંજૂર કરી હતી. પતિએ આ ચુકાદા સામે મુંબઈ હાઇ કોર્ટની નાગપુર બેન્ચમાં અરજી કરી તો તેને પણ નામંજૂર કરવામાં આવી તે પછી તેણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. 
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ ચુકાદામાં કહ્યું કે, અત્યારે અદાલતો વચગાળાના વળતરની માગણી કરતી અરજીના ચુકાદા આવક અને સંપત્તિની અધૂરી માહિતીના આધારે આપતી હોય છે. આવી અરજીઓમાં બન્ને પક્ષો તેમની આવક અને મિલકતની સાચી માહિતી છુપાવતા હોય છે. તેથી ફેમિલી કોર્ટને યોગ્ય નિર્ણય લેવાનું મુશ્કેલ બને છે. વળતર માગતી અરજીઓમાં પત્નીના પક્ષે તેની જરૂરિયાતો વધારીને કહેવામાં આવે છે અને પતિના પક્ષ તરફથી તેની સાચી આવક છુપાવવામાં આવે છે. આ સંજોગોમાં એક વિધિગત પદ્ધતિ નક્કી કરવાનું અનિવાર્ય બન્યું છે, એમ અદાલતે કહ્યું હતું. 
અદાલતે એફિડેવિટ નોંધાવવા માટેની માર્ગદર્શિકા સ્પષ્ટ કરતા કહ્યું છે કે, બન્ને પક્ષકારોએ વળતરની અરજી કરાયાના ચાર સપ્તાહમાં તેમની મિલકત અને દેવાની વિગતોની એફિડેવિટ કરવાની રહેશે. અદાલત પક્ષકારને વધુ સમય માટે ફક્ત બે વાર તક આપશે. આ સમયગાળામાં પક્ષકાર તરફથી એફિડેવિટ નહીં કરવામાં આવે તો અદાલત જેમના તરફથી એફિડેવિટ આવી હશે તેની વિગતોને આધારે તેનો ચુકાદો આપી શકશે. 
Published on: Sat, 21 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer