પાલિકા પરથી ભગવો ધ્વજ કાઢવાનું ઈચ્છનારાનો રકાસ થશે : શિવસેના

પાલિકા પરથી ભગવો ધ્વજ કાઢવાનું ઈચ્છનારાનો રકાસ થશે : શિવસેના
મુંબઈ, તા. 20 (પીટીઆઈ) : શિવસેનાએ શુક્રવારે કહ્યું હતું કે જે લોકો બૃહૃમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)માં રહેલો ભગવો ધ્વજ કાઢવા ઈચ્છે છે તેમનો મુંબઈના લોકો સજ્જડ પરાજય આપશે. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બે દિવસ પહેલાં  કહ્યું હતું કે 2022ની મુંબઈ પાલિકાની ચૂંટણીમાં શિવસેનાની હકાલ પટ્ટી કરીને ભારતીય જનતા પાર્ટી સત્તા પર આવશે. આને પગલે શિવસેનાએ મુખપત્ર સામનામાં ઉક્ત ટકોર કરી હતી.  
ફડણવીસે કહ્યું હતું કે મુંબઈ પાલિકામાં ફરી ભગવો ધ્વજ ફરકશે, પરંતુ આ વખતે આ ધ્વજ શિવસેનાનો નહીં, પરંતુ ભાજપનો હશે. કૉન્ગ્રેસ અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ સાથે સત્તા ભોગવી રહેલા શિવસેના પર પ્રહાર કરતાં ફડણવીસે કહ્યું હતું કે ભાજપનું હિન્દુત્વ ભેળસેળીયું નથી.  
શિવસેના બે દાયકાથી વધારે સમયથી 30,000 કરોડ રૂપિયાની બજેટવાળી આ પાલિકા પર શાસન ધરાવે છે.  
સામનાના તંત્રીલેખમાં લખાયું હતું કે ભૂતકાળમાં બે પેશવા બાલા નટુ  અને ચિંતુ પટવર્ધને પુણેના લાલ મહલમાંથી ભગવો કાઢીને બ્રિટનના ધ્વજ યુનિયન જેક ફરકાવ્યો હતો.  આનાથી પુણેના લોકોને પારવાર દુ:ખ થયું હતું.  જોકે, થોડા લોકો આનંદિત પણ થયા હતા. ભગવો ધ્વજ આગ સમાન છે અને એને હાથ લગાડશો તો તમે ખતમ થઈ જશો. શિવસેનાએ દાવો કર્યો હતો કે ભાજપ દિવંગત બાળઠાકરેના પક્ષ શિવસેના સાથે હાથ મિલાવ્યા બાદ જ હિન્દુત્વવાદી પક્ષ બન્યો હતો. બીએમસીમાંથી ભગવો ધ્વજ કાઢવાનો અર્થ મહારાષ્ટ્રના મુંબઈ પરના અધિકારને ખતમ કરવા જેવો છે. આનો અર્થ એ પણ થાય છે કે મુંબઈ મુડીવાદીઓને આપી દેવું અને મરાઠી માણુસ અને મજદૂરોને ગુલામ બનાવવા. ભાજપ રાજકીય લાભ ખાટવા ભગવો ધ્વજ કાઢવાની વાત કરે છે.
Published on: Sat, 21 Nov 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer