મુંબઈ, તા. 22 : મહારાષ્ટમાં શાળાના શિક્ષકોને સોમવારથી શાળામાં ઉપસ્થિતિ રહેવાનું કહેવામાં આવ્યું હતું અને આ માટે તેમનું કોરોના ટેસ્ટ હાથ ધરાયું હતું. આ ટેસ્ટિગમાં સેંકડો શિક્ષકો કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. આના પગલે શિક્ષકોને શાળામાં બોલાવ્યા વિના અૉનલાઇન ભણાવવાની છૂટ આપવાની માગણી શિક્ષક સંગઠનોએ કરી છે.
સોમવારથી રાજ્યમાં નવમા, દસમા અને બારમા ધોરણના પ્રત્યક્ષ વર્ગ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે વાલીઓ અને શિક્ષકોના વધતા દબાણને ધ્યાનમાં લઈને આ નિર્ણય રાજ્ય સરકારે સ્થાનિક પ્રશાસન પર છોડયો હતો. આથી મુંબઈ, થાણે, પુણે અને નાગપુરમાં શાળાઓ ચાલુ નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે રાજ્યના કેટલાક ભાગોમાં સ્કૂલો શરૂ થઇ રહી છે. કેટલાક વિસ્તારમાં વિદ્યાર્થીઓ માટે સ્કૂલ બંધ રાખવાનો નિર્ણય સ્થાનિક પ્રશાસને લીધો છે પરંતુ 50 ટકા હાજરીના નિયમ મુજબ શિક્ષકોએ સ્કૂલમાં બોલાવવામાં આવશે.
તાજેતરમાં થયેલી શિક્ષકોની કોરોના તપાસમાં નાસિકમાં 34, કોલ્હાપુરમાં 17, બીડમાં પચીસ, નાંદેડમાં 11, ઉસ્માનાબાદમાં 47, નાગપુરમાં 41, અકોલામાં 62, યવતમાળમાં 14, વર્ધામાં 24 અને ઔરંગાબાદમાં 72 શિક્ષકો કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. મુંબઈ, થાણે અને નવી મુંબઈના આંકડા ઉપલબ્ધ થયા નહીં હોવા છતાં અહીં પણ કેટલાક શિક્ષકો પોઝિટિવ મળી આવ્યા છે. તેમજ અનેક શિક્ષકોના તબીબી રિપોર્ટ હજી આવ્યા નથી. આથી શિક્ષકોને સ્કૂલમાં બોલાવ્યા વિના અૉનલાઈન જ શીખવવાની સુવિધા આપવાની માગણી શિક્ષક પરિષદે કરી છે.
સતત સર્વેક્ષણ અને કોરોના ડયુટીને કારણે અત્યાર સુધીમાં 100થી વધુ શિક્ષકોનાં મૃત્યુ થયાં છે, અનેક શિક્ષકો સંક્રમિત પણ થયા છે. આથી હવે તેમને કોરોના ડયુટીમાંથી મુક્તિ આપવી, તેમના તબીબી બિલ મંજૂર કરવા અને તેમને શાળામાં બોલાવવા નહીં એવી માગણી પરિષદે કરી છે.Published on: Mon, 23 Nov 2020