લૉકડાઉનનો નિર્ણય લોકોના હાથમાં: ઉદ્ધવ ઠાકરે

લૉકડાઉનનો નિર્ણય લોકોના હાથમાં: ઉદ્ધવ ઠાકરે
શાળાઓ ક્યારે ખૂલશે એ સ્પષ્ટ નથી કારતક એકાદશીએ પંઢરપુરમાં ભીડ ન કરવાની અપીલ
મુંબઈ, તા. 22 : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ લોકોને લાલબત્તી દાખવતાં કહ્યું હતું કે બધું ખુલી ગયું છે એનો અર્થ એ નથી કે કોરોના જતો રહ્યો છે. કોરોનાનું બીજું મોજું સુનામી જેવું ખતરનાક હોઈ શકે છે માટે લોકો સાવધાની અને કાળજી રાખે. અનેક રાજ્યોમાં ફરી લૉકડાઉન લાદવો પડ્યો છે. લોકો અનાવશ્યક ભીડ કરશે તો સરકારને ફરી કઠોર નિર્ણય લેવો પડશે. આમ, લૉકડાઉનનો નિર્ણય લોકોના હાથમાં હોવાની વાત તેમણે કરી હતી. 
ઉદ્ધવ ઠાકરેએ રવિવારે રાજ્યના લોકોને ફેસબુક લાઈવના માધ્યમથી સંબોધન કરતાં જણાવ્યું હતું કે દિવાળી પછી રાજ્યમાં કોરોનાના દર્દીની સંખ્યા વધી રહી છે. મુંબઈમાં આનું પ્રમાણ વધારે છે. આવતીકાલથી કેટલાક જિલ્લામાં શાળા ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. પણ બધે શાળાઓ ખોલવામાં વાર લાગશે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે નવા વર્ષથી મંદિરો પણ ખોલવામાં આવ્યા છે. અનેક ઠેકાણે ભીડ વધતી જોવા મળે છે. ભીડ વધશે તો કોરોનાનું સંક્રમણ વધશે. કોરોનાની રસી હજી આવી નથી, ક્યારે આવશે એ સ્પષ્ટ નથી આથી કોરોના જતો રહ્યો છે એમ ન માનો અને ઝેરનાં પારખાં ન કરો. ભીડ ટાળવી, માસ્ક વાપરવા અને હાથ ધોવા- આ ત્રિસૂત્રી જ તારણહાર છે. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સંબોધનમાં શું કહેશે એ અંગે અનેક અટકળો થતી હતી, પણ તેમણે કોઈ કઠોર નિર્ણયની જાહેરાત કરી નથી. તેમણે ફક્ત લોકોને એવો અનુરોધ કર્યો કે લૉકડાઉન ફરી ન લાદવો પડે એ માટે સાવધાની રાખો.  
તેમણે કહ્યું હતું કે આપણે ગણેશોત્સવ, દશેરા અને ઉત્તર ભારતીયોએ છઠ્ઠ પૂજા સંયમથી પાર પાડી. આપણે એ જ પ્રમાણે કાર્તિકી એકાદશીની ઉજવણી કરવાની છે. દેવઉઠી એકાદશીએ  પંઢરપુરમાં ભીડ ન કરવાની તેમણે અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે લોકોના સહકારને લીધે કોરનાના દર્દીના આંકડા કાબૂમાં આવ્યા છે. જોકે કોરોનાનું બીજું મોજું સુનામી જેવું હોઈ શકે છે. ગુજરાતમાં નાઈટ કર્ફયુ લાદવામાં આવ્યો છે. દિલ્હીમાં ત્રીજું મોજું આવ્યું છે. યુરોપના દેશોની હાલત ખરાબ છે. ત્યાં લૉકડાઉન ફરી લદાયું.
તેમણે કોઈનુંય નામ લીધા વિના  વિરોધ પક્ષોને આડે હાથે લેતાં કહ્યું હતું કે મારા પર જનતાની જવાબદારી છે. આ ખોલો, તે ખોલો કહેનારા પર કોઈ જવાબદારી નથી.   ઉદ્ધવ ઠાકરેએ સંયુકત માહારાષ્ટ્ર ચળવળના શહીદો અને 26 નવેમ્બરના આતંકવાદી હુમલામાં શહીદ થયેલાઓને અંજલી આપી હતી. 
તેમણે યુવાનોને કહ્યું કે તમારા વડીલોની જવાબદારી તમારા પર છે. આથી તમે બહાર નીકળશો અને ચેપ લઈ આવશો તો તકલીફ વડીલોને થશે, માટે  સાવધ રહેવું એ જ હાલમાં કોરોનાની દવા છે.Published on: Mon, 23 Nov 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer