ફરી ઊર્જા પ્રધાને આપ્યો 100 યુનિટ સુધી ફ્રી વીજળીનો સંકેત

મુંબઈ, તા. 29 : રાજ્યની તિજોરી ભાર ઝીલી શકે એમ ન હોવાથી વીજ ગ્રાહકોને બિલમાં રાહત આપવાનું ઉર્જા પ્રધાન નિતિન રાઉતે નકાર્યું હતું, એ સાથે જ તેમણે સો યુનિટ સુધીના વપરાશકારોને વીજળી મફત આપવાનો પુનરોચ્ચાર વાર્ષિક અહેવાલમાં કર્યો છે. જોકે હકીકતમાં આ રાહત કેવી રીતે અપાશે એ એક મોટો પ્રશ્ન છે.
મહારાષ્ટ્ર સરકારનું એક વરસ પૂરૂં થયું હોવાથી ઉર્જા પ્રધાને આ અહેવાલ રજૂ કર્યો છે. અત્યારે વધારે પડતા બિલને કારણે સૌથી વધુ  ચર્ચામાં આવનાર મહાવિતરણ પર 77 હજાર કરોડ રૂપિયાથી વધુનો બોજો છે. મહાવિતરણે એની સહયોગી કંપની મહાનિર્મિતી (મહારાષ્ટ્ર સ્ટેટ પાવર જનરેશન કંપની લિમિટેડ) અને મહાપારેષણ (મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ટ્રાન્સમિશન કંપની લિમિટેડ)ને 22,500 કરોડ રૂપિયા ચુકવવાના બાકી છે. આટલો બોજ હોવાને કારણે આધુનિક ટેક્નિકનો ઉપયોગ કરી મહાવિતરણ, મહાનિર્મિતિ અને મહાપારેષણના દેખભાળ, રિપેરિંગના ખર્ચમાં કાપ મુકવાની યોજના બનાવી હોવાનું ઉર્જા પ્રધાને જણાવ્યું હતું. મહાવિતરણની ટેક્નિકલ અને કૉમર્શિયલ નુકસાન ઓછું કરવાની આવશ્યકતા હોવાનું અહેવાલમાં જણાવાયું છે. આનો અર્થ એ કે મહાવિતરણની હાલની આર્થિક સ્થિતિ માટે માત્ર ઘરગુથી ગ્રાહકોના લેણા નીકળતા પૈસા એ એકમાત્ર કારણ નથી, એવું સ્પષ્ટ થાય છે.
ઉર્જા વિભાગની ત્રણેય કંપનીઓ, મહાવિતરણ, મહાપારેષણ અને મહાનિર્મિતી આર્થિક સંકટનો સામનો કરી રહી હોવાનું ઉર્જા પ્રધાને માન્યું છે. એ માટે કંપનીને 20 હજાર કરોડ રૂપિયાની લોન લેવા માટે સરકારે મંજૂરી આપી હોવાનું જણાવાયું છે. ભારે દબાણની વિતરણ પ્રણાલી યોજનાને મજબૂત કરવા માટે એશિયન ડેવલપમેન્ટ બેન્ક પાસેથી 2248 કરોડ રૂપિયાની લોનને મંજૂરી મળી હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
ખેડુતોને મફત વીજળી?
કૃષિ પંપના લેણા નીકળતા બિલનો આંકડો 42 હજાર કરોડ રૂપિયા પર પહોંચ્યો છે. એમાંથી 15થી 20 હજાર કરોડના વીજળીના બિલ માફ કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય ઉર્જા વિભાગે લીધો હોવાનું ઉર્જા પ્રધાને અહેવાલમાં જણાવ્યું છે.

Published on: Mon, 30 Nov 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer