90' ના દાયકાની મલયાલમ અભિનેત્રી શકિલા વિશે એમ કહેવાતું હતું કે તેના નામમાત્રથી પ્રેક્ષકો થિયેટરોમાં આવતા હતા. તે પ્રસિદ્ધ સોફ્ટકોર અભિનેત્રી હતી અને તેણે એક દાયકો દક્ષિણના ફિલ્મોદ્યોગ પર રાજ કર્યું હતું. ઇન્દ્રજીત લંકેશે આ તારિકાના જીવન પરથી ફિલ્મ શકિલા બનાવી છે અને અભિનેત્રી રિચા ચઢ્ઢાએ તેમાં મુખ્ય પાત્ર ભજવ્યું છે. હાલમાં આ ફિલ્મનું પોસ્ટર રજૂ થયું છે અને શકિલા વિશે જ ટિપ્પણીઓ કરવામાં આવતી તે તેમાં લખી છે.
વાસ્તવમાં શકિલા એવી મહિલાની કથા છે જે ગરીબી રેખાની નીચે જીવતી હતી અને તમામ સંઘર્ષો અને પડકારોને પાર કરીને શ્રીમંત બની હતી. તેને જાડી, ઉદ્ધત અને કાળી કહીને ઉતારી પાડવામાં આવતી હતી. પરંતુ તેણે પોતાની મારકણી અદાઓથી બૉક્સ અૉફિસ પર સફળતા અને સ્ટારડમ મેળવીને સૌની બોલતી બંધ કરી હતી. તેના આ પ્રેરણાદાયી જીવનને લોકો સુધી પહોંચાડવા માટે ઇન્દ્રજીત લંકેશ અને રિચાએ સાથે મળીને ફિલ્મ બનાવી છે.
ઇન્દ્રજીતે જણાવ્યું હતું કે, લોકો એમ ઈચ્છતાં કે શકિલાની ફિલ્મો પર પ્રતિબંધ મૂકવો જોઈએ કે સેન્સર કરવી જોઇએ. આમ છતાં તે એકસો દિવસ હાઉસફુલ ચાલતી. તેની સફળતા જોઇને તે સમયના સુપરસ્ટાર્સને પોતાનું સ્થાન જોખમ લાગતું હતું. રિચાએ આ પાત્રને પૂરતો ન્યાય આપ્યો છે. તેણે શકિલા જેવા જીવનની અનુભૂતિ કરીને અભિનય કર્યો છે.
Published on: Thu, 03 Dec 2020
રિચા ચઢ્ઢા બની મલયાલમ અભિનેત્રી ''શકિલા''
