કોહલીએ વન ડેમાં સૌથી ઝડપી 12000 રન પૂરા કર્યાં

કોહલીએ વન ડેમાં સૌથી ઝડપી 12000 રન પૂરા કર્યાં
241 ઇનિંગમાં આ સિદ્ધિ હાંસલ કરીને સચિન (300 ઈનિંગ્સ)નો રેકર્ડ તોડયો
કેનબેરા, તા.2: વિરાટ કોહલીએ તેના નામે વધુ એક સિધ્ધિ નોંધાવી છે. વન ડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઝડપે 12000 રન કરવાનો રેકોર્ડ આજે ભારતીય કપ્તાને નોંઘાવ્યો છે. કોહલીએ આજે તેના 251 વન ડે મેચની 241મી ઇનિંગમાં 12 હજાર રન પૂરા કર્યાં હતા. આ સાથે જ કોહલીએ મહાન સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડયો છે. સચિને 2003માં વર્લ્ડ કપમાં પાકિસ્તાન વિરૂધ્ધની તેની યાદગાર 98 રનની ઇનિંગ દરમિયાન આ સિધ્ધિ હાંસલ કરી હતી. સચિને આ માટે 300 ઇનિંગ રમી હતી.  
વિરાટ કોહલીએ આજે 12000 રન પૂરા કરવા માટે 23 રનની જરૂર હતી. આજે તેણે 63 રનની ઇનિંગ દરમિયાન આ રેકોર્ડ બનાવ્યો હતો. કોહલી અને સચિન પછી આ સૂચિમાં ત્રીજા નંબર પર ઓસ્ટ્રેલિયાનો પૂર્વ સુકાની રીકિ પોન્ટિંગ છે. તેણે 323 મેચની 314 ઇનિંગમાં 12 હજાર રન પૂરા કર્યાં હતા. આ પછી અનુક્રમે કુમાર સંગકારા (336 ઇનિંગ), સનથ જયસૂર્યા (379 ઇનિંગ) અને મહાલે જયવર્ધને (399 ઇનિંગ)નો નંબર આવે છે.  
કોહલીના બેટમાંથી 2009થી ચાલ્યો આવતો સદીનો સિલસિલો આ વર્ષે તૂટયો
ભારતીય કપ્તાન વિરાટ કોહલી આજે ઓસ્ટ્રેલિયા સામેના આખરી વન ડેમાં 63 રને આઉટ થયો હતો. આ સાથે જ વર્ષ 2009થી દર વર્ષે સદી કરવાનો તેનો ક્રમ તૂટી ગયો છે. વર્ષ 2020માં કોહલીના બેટમાંથી એક પણ સદી નીકળી નથી. તેના નામે કુલ 43 વન ડે સદી છે. કોહલીએ તેની પહેલી સદી ડિસેમ્બર-2009માં શ્રીલંકા સામે કરી હતી. એ પછી તે કયારે પણ કેલેન્ડર વર્ષમાં સદી ચૂકયો ન હતો. કોહલીએ 2008માં ડેબ્યૂ કર્યોં હતો. એ વર્ષે તે પાંચ મેચ રમ્યો હતો અને એક પણ સદી કરી ન હતી. પાછલા ત્રણ વર્ષથી કોહલી શાનદાર ફોર્મમાં હતો. આ દરમિયાન તેણે કુલ 17 સદી ફટકારી હતી. જેમાં 2017 અને 2018માં 6-6 અને 2019માં પ સદી હતી, પણ આ વર્ષે તેના બેટમાંથી એક પણ સદી નીકળી નથી. કોહલીએ 2020ના વર્ષમાં 47.88ની સરેરાશથી કુલ 431 રન કર્યાં છે. આ દરમિયાન તેણે 5 અર્ધસદી કરી છે. તેનો આ વર્ષે શ્રેષ્ઠ સ્કોર 89 રહ્યો છે.

Published on: Thu, 03 Dec 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer