આખરી વન ડેમાં અૉસ્ટ્રેલિયા સામે ભારતનો 13 રને વિજય

આખરી વન ડેમાં અૉસ્ટ્રેલિયા સામે ભારતનો 13 રને વિજય
હાર્દિક (92) અને જાડેજા (66) વચ્ચે  150 રનની ભાગીદારી બાદ બોલરો ઝળક્યાં
કેનબેરા, તા.2: ટીમ ઇન્ડિયાએ સતત પાંચ વન ડેની હાર બાદ આખરે આજે જીતનો સ્વાદ ચાખ્યો છે. ભારતનો આજે અહીંના મનુકા ઓવલ મેદાન પર ઘરેલુ ટીમ ઓસ્ટ્રેલિયા સામેના ત્રીજા અને આખરી વન ડેમાં 13 રને સન્માનજનક વિજય હાંસલ કર્યોં હતો. અગાઉ ન્યુઝીલેન્ડ સામેના સતત ત્રણ મેચ અને બાદમાં વર્તમાન શ્રેણીના પહેલા બે મેચમાં હાર સહન કરનાર કોહલીસેનાએ આજના મેચમાં લડાયક દેખાવ કરીને હારનો ક્રમ તોડયો હતો અને ઓસ્ટ્રેલિયા સામેની ક્લિનસ્વીપ  ટાળી હતી. ભારતના પ વિકેટે 302 રનના જવાબમાં ઓસ્ટ્રેલિયા 49.3 ઓવરમાં 289 રને ઓલઆઉટ થયું હતું. કેનબેરામાં ઓસ્ટ્રેલિયાને પહેલીવાર હારનો સામનો કરવો પડયો  છે.
જો કે સિરિઝ ઓસ્ટ્રેલિયાના નામે 2-1થી રહી હતી. આજના મેચમાં હાર્દિક (92) અને રવીન્દ્ર (66)ની લડાયક બેટિંગ બાદ ઝડપી બોલર ત્રિપુટી બુમરાહ-ઠાકુર-નટરાજનના પાવરથી ભારતે મજબૂત ઓસ્ટ્રેલિયાની ટીમને પરાજય આપ્યો હતો. હવે શુક્રવારે આ જ મેદાન પર ટી-20 શ્રેણીનો પહેલો મેચ રમાશે. ઓસિ. તરફથી સુકાની ફિંચની 75 અને મેકસવેલની 59 રનની આક્રમક ઇનિંગ એળે ગઇ હતી.
303 રનના વિજય લક્ષ્યાંકનો પીછો કરતા એક તબક્કે ઓસ્ટ્રેલિયાને 36 દડામાં જીત માટે 39 રનની જરૂર હતી અને મેકસવેલ ક્રિઝ પર હતો. આ તબક્કે બુમરાહના યોર્કરમાં તે બોલ્ડ થતાં ભારતની મેચમાં વાપસી થઈ હતી અને જીત મેળવી હતી. મેકસવેલે સતત ત્રીજા મેચમાં આક્રમક બેટિંગ કરીને 38 દડામાં 3 ચોક્કા અને 4 છક્કાથી 59 રન કરીને ભારતના શ્વાસ અધ્ધર કરી દીધા હતા. આ સિવાય સુકાની એરોન ફિંચે ત્રણ જીવતદાનનો ફાયદો લઇને 82 દડામાં 7 ચોક્કા અને 3 છક્કાથી 75 રન કર્યાં હતા. સતત બે સદી કરનાર સ્ટાર સ્મિથ 7 રને શાર્દુલ ઠાકુરનો શિકાર બન્યો હતો. એલેકસ કેરીએ 38, અગરે 28 રનની ઉપયોગી ઇનિંગ રમી હતી. તેઓ ઓસિ.ને જીત અપાવી શકયા ન હતા. શાર્દુલે 3 અને પહેલો મેચ રમી રહેલ નટરાજન તથા બુમરાહે 2-2 વિકેટ લીધી હતી. શ્રેણીમાં બે સદી કરનાર સ્ટિવન સ્મિથ મેન ઓફ ધ સિરિઝ જાહેર થયો હતો.
મેન ઓફ ધ મેચ હાર્દિક પંડયાએ એક પરિપકવ બેટસમેનના રૂપમાં બેટિંગ કરીને ટીમ ઇન્ડિયાની ઇનિંગમાં એન્કર રોલ ભજવ્યો હતો. તેને રવીન્દ્ર જાડેજાનો બખૂબી સાથ મળ્યો હતો. એક તબક્કે ભારતની 152 રનમાં અરધી ટીમ પેવેલિન ભેગી થઇ ગઇ હતી. ત્યારે ભારત 250 આસપાસ પહોંચશે તેવી સ્થિતિ હતી, પણ હાર્દિક-રવીન્દ્રની જોડીએ કાંગારૂ બોલરોને હંફાવીને છઠ્ઠી વિકેટમાં 150 રનની અતૂટ ભાગીદારી કરીને ભારતને 50 ઓવરના અંતે 302 રનના મજબૂત સ્કોર પર પહોંચાડયું હતું. આ બન્ને આખરી પાંચ ઓવરમાં આતશી બેટિંગ કરીને 76 રનનો ઉમેરો કર્યોં હતો.
હાર્દિકે તેની વન ડે કેરિયરનો શ્રેષ્ઠ સ્કોર કરીને અણનમ 92 રન કર્યાં હતા. 76 દડાની ઇનિંગમાં તેણે 7 ચોક્કા-1 છક્કો લગાવ્યો હતો. તો જાડેજાને 50 દડામાં પ ચોક્કા અને 3 છક્કાથી અણનમ 66 રન કર્યાં હતા. આ પહેલા સુકાની વિરાટ કોહલી 78 દડામાં પ ચોક્કાથી 63 રનની શાનદાર ઇનિંગ રમીને આઉટ થયો હતો. યુવા શુભમન ગિલે 33 રનનું યોગદાન આપ્યું હતું. ધવન (16), શ્રેયસ (19) અને રાહુલ (પ) નિષ્ફળ રહ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી એસ્ટન અગરે 2, હેઝલવૂડ, એબોટ અને ઝમ્પાએ 1-1 વિકેટ લીધી હતી.

Published on: Thu, 03 Dec 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer