ફાઇઝરની કોવિડ વૅક્સિનને મંજૂરી છતાં સોનું ઊંચકાયું

અમારા પ્રતિનિધિ તરફથી  
રાજકોટ, તા. 2 : ગઇકાલે વૈશ્વિક સોનામાં તીવ્ર તેજી થયા પછી મક્કમ રહ્યું હતુ. અમેરિકાના સંભવિત ઉદ્દીપક પેકેજને લીધે તેજી આવી છે. જોકે યુ.કે.ની ફાઇઝર કોવિડ 19ની વેક્સિનને મંજૂરી મળી જતા સોનું આગળ ધપતું અટકી ગયું હતુ. ન્યૂયોર્કમાં સોનાનો ભાવ ઔંસદીઠ 1825 ડોલરની સપાટીએ રનીંગ હતો. ઇન્ટ્રા ડેમાં 1806 ડોલરની સપાટી સુધી સોનું ઘટ્યું હતુ. બીજી તરફ ચાંદી 24.10 ડોલર રનીંગ હતી.  
બ્રિટન એવો પ્રથમ દેશ બન્યો છે જેની ફાઇઝર બાયોટેકની કોવિડ વેક્સિનને માન્યતા મળી ગઇ છે. હવે આવતા સપ્તાહથી વેક્સિન મૂકાવાની શરુઆત થશે. આ સમાચાર સોના માટે નકારાત્મક ગણાય પરંતુ અમેરિકાના પેકેજની સંભાવના બ?નળવત્તર બની ગઇ હોવાથી સોનું ઘટ્યું ન હતુ.  અમેરિકી સેનેટમાં રિપબ્લિકન મીચ મેકકોનીલે કહ્યું હતુ કે, અમેરિકી કોંગ્રેસ 1.4 બિલીયન ડોલરના ખર્ચનું વિધેયક કોરોના વાઇરસના પેકેજને સાંકળીને જાહેર કરશે. બીજી તરફ કેટલાક સેનેટર્સ અને હાઉસ મેમ્બરે રાહતના પગલા પાછળનું ખર્ચ 908 અબજ ડોલર પ્રસ્તાવિત કર્યું હતુ.  
વિશ્લેષકો કહે છે, પેકેજ માટેની વાતચીત સાચી દિશામાં થઇ રહી હોય તેમ જણાય છે. હવે પેકેજ મુદ્દે સહમતી વધતી જશે તેમ વિધેયક પસાર થવામાં સરળતા વધશે. અમેરિકાના નવા પ્રમુખ જો બિડેન ચીન સાથે અગાઉ થયેલા પ્રથમ તબક્કાના વેપાર કરારને દૂર કરવા માટે તત્કાળ કોઇ પગલા નહીં લે તેવા સમાચારો ગઇકાલે આવ્યા હતા. એ કારણે પણ સોનું વધુ તેજી તરફ જઇ શક્યું ન હતુ.  
સ્થાનિક બજારમાં ઉંચી આયાત પડતરના હિસાબે સોનાનો ભાવ આગલા દિવસથી રુ.950ની તેજીમાં રુ. 50900 થઇ ગયો હતો. ચાંદી એક કિલોએ રુ. 2000 ઉંચકાતા રુ. 63000 હતી. મુંબઇમાં સોનું રુ. 578ની તેજીમાં રુ. 49170 અને ચાંદી કિલોએ રુ. 2242 વધી જતા રુ. 63203 રહી હતી.

Published on: Thu, 03 Dec 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer