પ્લાસ્ટિક-પેટ્રો કેમિકલ્સ ઉદ્યોગ માટે નિયામક સ્થાપવા વડા પ્રધાનને વિનંતી

પ્લાસ્ટિક-પેટ્રો કેમિકલ્સ ઉદ્યોગ માટે નિયામક સ્થાપવા વડા પ્રધાનને વિનંતી
મુંબઈ, તા. 2 : પેટ્રોકેમિકલ્સમાં અયોગ્ય રીતે ચાલતી નફાખોરીને લીધે પ્લાસ્ટિક ઉત્પાદન અને પ્રોસાસિંગ ઉદ્યોગ મુશ્કેલીમાં આવી ગયો છે અને પડી ભાંગવાને આરે હોવાથી તેને રોકવા માટે નિયામક સ્થાપવાની માગણી દેશભરનાં 10થી વધુ સંગઠનોનું પ્રતિનિધિત્વ કરતા પ્લાસ્ટિકનાં ઉત્પાદો, પ્રોસેસરોના સંગઠને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને માગણી કરી છે.  
સંગઠનોએ પ્લાસ્ટિક ઉદ્યોગને ટકાવી રાખવા અને ચીન જેવા અન્ય દેશો સાથે સ્પર્ધાત્મક રાખવા માટે એન્ટી- ડમ્પિગ ડયૂટી લાદવાનું બંધ કરવા, ફરજિયાત બીઆઈએસ ધોરણો, કાચા માલો પર આયાતવેરો ઘટાડવા અને દેશમાંથી કાચા માલની નિકાસ પર પ્રતિબંધ લાદવાની પણ આ સાથે માગણી કરી છે.   પ્લાસ્ટિક ઉત્પાદકો અને પ્રોસાસિંગ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતાં 10થી વધુ સંગઠનોએ વડા પ્રધાનને પત્ર લખ્યો છે. આ પત્ર પર ધ ઓલ ઈન્ડિયા પ્લાસ્ટિક્સ મેન્યુફેક્ચરર્સ ઍસોસિયેશનના પ્રેસિડેન્ટ ચંદ્રકાંત તુરખિયા, ઓર્ગેનાઈઝેશન ઓફ પ્લાસ્ટિક્સ પ્રોસેસર્સ ઓફ ઈન્ડિયાના પ્રેસિડેન્ટ મહેન્દ્ર સંઘવી, ઈન્ડિયન પ્લાસ્ટિક્સ ફેડરેશન, કોલકતાના પ્રેસિડેન્ટ રમેશ રાતેરિયા, ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક્સ મેન્યુફેક્ચરર્સ ઍસોસિયેશનના પ્રેસિડેન્ટ શૈલેષ પટેલ, કર્ણાટક સ્ટેટ પ્લાસ્ટિક્સ ઍસોસિયેશનના પ્રેસિડેન્ટ વિજય કુમાર, મહારાષ્ટ્ર પ્લાસ્ટિક્સ મેન્યુફેક્ચરર્સ ઍસોસિયેશનના પ્રેસિડેન્ટ રવિ જશનાની, કેરળ પ્લાસ્ટિક્સ મેન્યુફેક્ચરર્સ ઍસોસિયેશનના પ્રેસિડેન્ટ બાલકૃષ્ણ ભટકાકુંજે, તેલંગણા અને આંધ્રના પ્લાસ્ટિક્સ ઍસોસિયેશનના પ્રેસિડેન્ટ વિમલેશ ગુપ્તા, કેનેરા પ્લાસ્ટિક મેન્યુફેક્ચર્સ એન્ડ ટ્રેડર્સ ઍસોસિયેશનના પ્રેસિડેન્ટ બી એ નઝીર સહિતના સંગઠનોના પ્રમુખોએ સહી કરી છે.  
ભારતમાં પ્લાસ્ટિક્સ ઉદ્યોગનાં 50,000થી વધુ પ્લાસ્ટિક્સ પ્રોસાસિંગ યુનિટ્સ છે, જેમાંથી 90 ટકા એમએસએમઈ છે. ક્ષેત્ર 50 લાખથી વધુ લોકોને રોજગાર આપે છે અને દેશની જીડીપીમાં રૂા. ત્રણ લાખ કરોડનું યોગદાન આપે છે.  
મહામારીને લીધે ઉદ્યોગમાં માગણીમાં તીવ્ર ઘટાડો થયો છે. તે કાચા માલોના ખર્ચમાં બેસુમાર વધારાને લીધે કાર્યશીલ મૂડી અને સંબંધિત નાણાકીય મુદ્દાઓનો સામનો કરી રહ્યો છે. ચીન જેવા દેશમાંથી પ્લાસ્ટિક્સ ઈન્ટરમિજિયેટ અને ફિનિશ્ડ માલની વધતી આયાતનો વધતો ખતરો ભારતને આત્મનિર્ભર બનાવવાના તમારા ધ્યેય અને યોજનામાં મોટો ધબડકો સિદ્ધ થશે. કાચા માલની કિંમતમાં વધારાને લીધે ભારતીય પ્લાસ્ટિક્સ પ્રોસાસિંગ યુનિટ્સ વૈશ્વિક બજારમાં ઉચ્ચ સ્પર્ધાત્મક બન્યાં હોવાથી ભારતમાંથી નિકાસને મોટો ફટકો પડશે. ભારતીય પ્લાસ્ટિક માલના નિકાસકારો આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પર્ધા નહીં કરી શકશે, કારણ કે પોલીમરની કિંમતો ભારતની તુલનામાં આંતરરાષ્ટ્રીય બજારમાં 10-15 ટકા સસ્તી છે, એમ ધ ઓલ ઈન્ડિયા પ્લાસ્ટિક્સ મેન્યુફેક્ચરર્સ ઍસોસિયેશનના ગવર્નિંગ કાઉન્સિલના ચૅરમૅન અરાવિંદ મહેતાએ જણાવ્યું હતું.  
દેશમાં આ 10 અવ્વલ સંગઠનો 50,000થી વધુ ઉદ્યોગોનું પ્રતિનિધિત્વ કરે છે અને 50 લાખ લોકોને રોજગાર આપે છે. ક્ષેત્ર દેશની જીડીપીમાં રૂા. ત્રણ લાખથી વધુ કરોડનું સીધું યોગદન આપે છે અને તે કૃષિ, આરોગ્ય સંભાળ, ખાદ્ય પ્રક્રિયા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઈલેક્ટ્રોનિક્સ અને અૉટો કમ્પોનન્ટ્સ જેવાં ક્ષેત્રો માટે મહત્ત્વપૂર્ણ છે.  

Published on: Thu, 03 Dec 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer