મુંબઈ, તા. 2 : રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા (આરબીઆઈ)ની મોનેટરી પૉલિસી કમિટીની ત્રણ દિવસીય બેઠક આજે અહીં શરૂ થઈ હતી. ઊંચા ફુગાવાના દરને ધ્યાને લઈ આરબીઆઈ ધિરાણદર જાળવી રાખે તેવી અર્થશાત્રીઓની અપેક્ષા છે. આરબીઆઈ આવતા શુક્રવારે 4 ડિસેમ્બરે ધિરાણ નીતિ જાહેર કરશે. રિટેલ ફુગાવો છ ટકાની ઉપર જવાથી આરબીઆઈએ ગયા અૉક્ટોબર મહિનાની સમીક્ષા બેઠક બાદ ધિરાણદરો વધતા ફુગાવાના કારણે યથાવત રાખ્યા હતા.
જીડીપીનો વૃદ્ધિદર 9.5 ટકા રહેવાની આગાહી પણ ત્યારે આરબીઆઈએ કરી હતી. ગયા ફેબ્રુઆરી માસથી આરબીઆઈએ ધિરાણદરોમાં 115 બેઝિસ પોઈન્ટસનો ઘટાડો ર્ક્યો હતો. યસ સિક્યુરિટીઝના રિસર્ચ હેડ અમર અંબાણીએ કહ્યું કે ફુગાવો ઘટવાનું નામ નથી લઈ રહ્યો અને આર્થિક ગતિવિધિમાં પણ વેગ આવ્યો હોવાથી અત્યારે તો એટલું જ કહી શકાય કે આરબીઆઈ ધિરાણદર યથાવત રખાશે અને ફેબ્રુઆરી 2021ની સમીક્ષા બેઠકમાં પણ 25 બેઝિસ પોઈન્ટ્સ ઘટાડાની અપેક્ષા પણ હવે સંભવ જણાતી નથી.
કેર રેટિંગ્સના ચીફ ઈકોનોમિસ્ટ મદન સબનવીસે કહ્યું કે અર્થતંત્રમાં થયેલા તાજેતરના સુધારાની નોંધ લઈને એમપીસી તેનો નિર્ણય જાહેર કરશે. આરબીઆઈ ધિરાણદર વર્તમાન ચાર ટકાના દરે યથાવત રાખશે અને પોતાનું વલણ અનુકૂળ રાખશે એવી અમારી અપેક્ષા છે, એમ સબનવીસે ઉમેર્યું હતું.
Published on: Thu, 03 Dec 2020
આરબીઆઈની મોનેટરી પૉલિસી કમિટીની બેઠકનો પ્રારંભ : રેપો રેટનો નિર્ણય શુક્રવારે
