અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 2 : ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે બુધવારે તેમની મુંબઈ મુલાકાત દરમિયાન દેશના ટોચના ઉદ્યોગપતિઓ સાથે બેઠક લીધી હતી અને ઝડપથી વિકસી રહેલા યુપીમાં ટૂરિઝમ, ચિકિત્સા, `એક જિલ્લો એક ઉત્પાદન' અને એમએસએમઈ સેક્ટરમાં વિપુલ તકોનો લાભ ઉઠાવી રોકાણ કરવાનું તેમને આમંત્રણ આપ્યું હતું.
તેમણે તાતા સન્સના ચૅરમૅન એન. ચંદ્રશેખરન, હિરાનંદાની ગ્રુપના ચૅરમૅન- એમ.ડી. નીરંજન હિરાનંદાની, કેકેઆર ઈન્ડિયાના સીઈઓ સંજય નાયર, સીમેન્સના વાઈસ પ્રેસિડેન્ટ સુપ્રકાશ ચૌધરી, એલએન્ડટીના સીઈઓ-એમડી એસ એન સુબ્રમણ્યન, કલ્યાણી ગ્રુપના ચૅરમૅન બાબા કલ્યાણી, નાબાર્ડના ચૅરમૅન ડૉ. ગોવિંદ રુજુલુ ચિંતલા સાથે ચર્ચા કરી હતી.
ઉત્તર પ્રદેશમાં તમારું સ્વાગત છે, અમે તમને સુરક્ષા, સન્માન અને વેપાર ઉદ્યોગને અનુકૂળ માહોલ આપીશું, આવનારાં વર્ષોમાં યુપીમાં વિશ્વ સ્તરની માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ થશે તેથી રોકાણની વિપુલ તકો હોવાનું મુખ્ય પ્રધાન યોગીએ ઉદ્યોગપતિઓને જણાવ્યું હતું.
અહીંની એક ફાઈવ સ્ટાર હોટેલમાં ઉદ્યોગપતિઓને રાજ્યમાં થયેલા માળખાકીય સુધારા વિશે માહિતગાર ર્ક્યા હતા. તેમાં `એક જિલ્લામાં એક ઉત્પાદન' સ્કીમ હેઠળ રોકાણ કરવાનું આમંત્રણ તેમણે ઉદ્યોજકોને આપ્યું હતું.
તેમણે યુપીમાં 75 જિલ્લામાંથી અનેક જિલ્લાઓમાં તબીબી કોલેજની આવશ્યકતા હોવાનું જણાવ્યું હતું, તેમાં પીપીપી (પબ્લિક પ્રાઈવેટ પાર્ટિસિપેશન) યોજના હેઠળ રોકાણ કરવાની તક હોવાનું જણાવ્યું હતું.
Published on: Thu, 03 Dec 2020